તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
દેશમાં ત્રણ માસમાં સોનાની માંગમાં સરેરાશ ૧૦ ટકાનો વધારો
સોનાની માંગ વાર્ષિક ધોરણે ૧૦ ટકા વધીને ૧૫૧ ટન પર પહોંચી : ત્રણ માસમાં સોનાના બાર, સિક્કા અને ઇટીએફ સંચાલિત રોકાણમાં ૫૪ ટકાનો વધારો

નવી દિલ્હી,તા.૩૦: દેશમાં સોનાની માંગ સતત વધારો થઇ રહ્યો છે. આ અંગે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ જાન્યુઆરી થી માર્ચના ત્રણ માસ દરમિયાન સોનાની માંગ વાર્ષિક ધોરણે ૧૦ ટકા વધીને ૧૫૧ ટન પર પહોંચી છે. તેમજ સોનાના ભાવમાં વધારા પાછળ પણ સોનાની વધતી માંગ એક મુખ્ય કારણ છે. જોકે, સોનાના રોકાણની પેટર્ન બદલાઈ છે. જેમાં દાગીનાની તુલનામાં રોકાણ માટે સોનાની માંગમાં વધારો થયો છે.
આ અહેવાલ મુજબ આ ત્રણ માસમાં સોનાના બાર, સિક્કા અને ઇટીએફ સંચાલિત રોકાણમાં ૫૪ ટકાનો વધારો થયો હતો અને તેનો આંક ૮૨ ટન સુધી પહોંચ્યો હતી. જ્યારે દાગીનાની માંગ વાર્ષિક ૧૯ ટકા ઘટીને ૬૬ ટન થઈ હતી.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ મુજબ સમગ્ર વર્ષ દરમિયાન સોનાની માંગ ૬૫૦ થી ૭૫૦ ટન વચ્ચે રહેશે. જે ગયા વર્ષે ૭૧૨ ટન હતી. તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં વધારો થવાથી ગ્રાહકોના બજેટ પર અસર પડી છે. આ અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરમાં દેશની કુલ સોનાની માંગ ૧૩૭ ટન રહી હતી. જ્યારે તેને મૂલ્યની દ્રષ્ટિએ જોઇએ તો વર્ષ ૨૦૨૬ ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં માંગ બમણી થઈ ગઈ છે. જે વાર્ષિક ધોરણે ૯૯ ટકા વધીને રૂપિયા ૨,૨૭,૫૦૦ કરોડની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
