તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
દેશમાં સોનાની માંગ જૂન ક્વાર્ટરમાં ૬% ઘટીઃ ગોલ્ડ કાઉન્સિલ
નબળી માંગ, ડ્યૂટીમાં વધારો, PM મોદીની અપીલને પગલે માંગ પર અસર થઈઃ ગોલ્ડ જ્વેલરીની માંગ ૧૫% ઘટીને ૭૫.૧ ટન

મુંબઈ તા.૩૧: દેશમાં સોનાની માંગ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ૬ ટકા ઘટીને ૧૩૧.૪ ટન થઈ હતી. નબળી માંગ, કસ્ટમ્સ ડ્યૂટીમાં વધારો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલની અસર જોવા મળી હતી. સમગ્ર વર્ષ માટે સોનાની માંગ ૬૫૦-૭૫૦ ટન ટન રહેશે તેવો અંદાજ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેના રિપોર્ટમાં આમ કહ્યું છે. ગત વર્ષે આ ગાળામાં ૧૩૯.૭ ટન માંગ રહી હતી.
જોકે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો તેને કારણે વેલ્યૂની લ્લષ્ટિએ જૂન ક્વાર્ટરમાં સોનાની માંગ ૫૦ ટકા વધીને ૧,૯૮,૧૦૦ કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં ૧,૩૨,૫૦૦ કરોડ હતી. તે દર્શાવે છે કે સોનાના ભાવ ખાસ્સા વધવા છતાં ગ્રાહકોએ ખરીદી ચાલુ રાખી હતી. કાઉન્સિલે કહ્યું કે સમગ્ર વર્ષમાં સોનાની માંગ ૬૫૦-૭૫૦ ટન રહેવાનો અંદાજ છે. જોકે ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ, વ્યાજના દર, ફુગાવો, વગેરે પરિબળો જોતા આ રેન્જની વચ્ચે (૭૦૦ ટન આસપાસ) માંગ રહેવાની સંભાવના છે. જો સોનાના ભાવમાં વધુ ઘટાડો થાય અને કસ્ટમ્સ ડ્યૂટીમાં ઘટાડો થાય તો ૭૫૦ ટન સુધી માંગ થઈ શકે.
ગોલ્ડ જ્વેલરીની માંગ ૧૫ ટકા ઘટીને ૭૫.૧ ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં ૮૮.૮ ટન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ માટે બિનજરૂરી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી, જેથી વિદેશી હુંડિયામણ બચી શકે. રોકાણની માંગ પ્રોત્સાહક રહી હતી. લગડી અને સિક્કાની માંગ ૯ ટકા વધીને ૫૦.૩ ટન થઈ હતી. ગોલ્ડ ઈટીએફ મારફતે ૪.૨ ટન સોનાની માંગ રહી હતી.કાઉન્સિલના ડેટા અનુસાર ગોલ્ડ રિસાઈકલિગ ૧૭ ટકા ઘટીને ૧૯.૨ ટન થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં ૨૩.૧ ટન હતી. દેશમાં સોનાની કુલ આયાત ૨૩ ટકા ઘટીને ૯૮.૧ ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં ૧૨૭.૪ ટન હતી. જૂન ક્વાર્ટરમાં સોનાના ભાવ સરેરાશ ઔંસદીઠ ૪૫૦૬.૩ ડોલર રહ્યા હતા, જે ગત વર્ષે આ ગાળામાં ૩૨૮૦.૪ ડોલર હતા.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર વિશ્વમાં સોનાની માંગ જૂન ક્વાર્ટરમાં ફલેટ ૧૨૬૯ ટન રહી હતી, જે ગતવર્ષે આ ગાળામાં ૧૨૬૮.૬ ટન હતી. જાન્યુઆરીથી જૂનના છ મહિનાના ગાળામાં માંગ ૨ ટકા વધીને ૨૫૨૨ ટન રહી હતી, જેનું મૂલ્ય ૩૮૦ અબજ ડોલર થાય છે. ગોલ્ડ ઈટીએફ, લગડી, સિક્કામાં રોકાણની માંગ ઘટીને ૨૬૨ ટન થઈ હતી. ગોલ્ડ ઈટીએફમાં ૪૫ ટનનો આઉટફલો જોવાયો હતો. જોકે છ મહિનાના ગાળામાં ૧૮ ટનનો ઈનફલો રહ્યો હતો. લગડી-સિક્કામાં રોકાણ ૩ ટકા ઘટ્યું હતું, છ મહિનામાં ૨૧ ટકા વધ્યું હતું. સેન્ટ્રલ બેન્કો અને અન્ય સત્તાવાર ઈન્સ્ટિટ્યૂશન્સને જૂન ક્વાર્ટરમાં ૨૮૯ ટન સોનું ખરીદ્યું હતું, જે ૬૨ ટકા વધારો દર્શાવે છે. પોલેન્ડ, ચીન, ચેક રિપબ્લિકે નોંધપાત્ર ખરીદી કરી હતી. ભારતીય રિઝર્વ બેન્કે ૨૦૦ કિલો સોનું ખરીદ્યું હતું. વૈશ્વિક ગોલ્ડ જ્વેલરીની માંગ ૧૭ ટકા ઘટી હતી. વેલ્યૂની રીતે છ મહિનામાં જ્વેલરીની માંગમાં ૨૨ ટકા વધીને ૮૬ અબજ ડોલરની થઈ હતી.ગોલ્ડ સપ્લાય ૧૨૬૯ ટન યથાવત્ રહ્યો હતો. માઈન સપ્લાય ૨ ટકા વધીને ૯૬૬ ટન રહ્યો હતો. ગોલ્ડ રિસાઈકલિગ ૬ ટકા ઘટ્યું હતું.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
