<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ગોવા માઈનિંગ કૌભાંડઃ ઈડીએ ૧૦૨૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

આયર્ન ઓર ખૂબ જ ઓછા ભાવે ચીનને વેચવાનું કૌભાંડ : ૨૦૦૭થી ૨૦૧૨ની વચ્‍ચે ગેરકાયદે આયર્ન ઓર કાઢીને વેચી ૨૪૯૨ કરોડના કાળા નાણાંની કમાણી

પણજી, તા. ૨૨: ગોવામાં ગેરકાયદે માઈનિંગ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી છે. ઈડીની પણજી ઝોનલ ઓફિસે સાલ્‍ગાઓકર ગ્રુપ અને તેનાથી જોડાયેલ એવીએસ ગ્રુપની તપાસ કરી છે. એજન્‍સીએ ગ્રુપની લગભગ ૧૦૨૩.૮૫ કરોડ રૂપિયાની ચાલુ અને સ્‍થિર મિલકતો અસ્‍થાયી ધોરણે જપ્ત કરી લીધી છે

ઇડીની તપાસમાં જાણવા મળ્‍યું છે કે, એવીએસ ગ્રુપે ૨૦૦૭થી ૨૦૧૨ની વચ્‍ચે ૧૦ માઇનિગ લીઝનું સંચાલન કર્યું હતું. આ દરમિયાન ગેરકાયદે આયર્ન ઔર કાઢી, વેચી અને નિકાસ કરી લગભગ ૨૪૯૨.૯૫ કરોડ રૂપિયાનું કાળું નાણું કમાવ્‍યું હતું. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં સિગાપોરમાં આવેલી પ્રોપર્ટી પણ સામેલ છે. ઈડીએ આ કાર્યવાહી પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિગ એક્‍ટ (પીએમએલએ), ૨૦૦૨ હેઠળ ૧૯ જૂન, ૨૦૨૬નાં રોજ જારી એક આદેશ હેઠળ કરી છે. ઈડીએ જે સંપત્તિઓ જપ્ત કરી છે તેમાં દેશનાં અલગ અલગ ભાગોમાં  આવેલ ૯૯ સ્‍થિર સંપત્તિઓ સામેલ છે. જેની કીંમત ૪૫૯. ૧૦ કરોડ રૂપિયા છે. જ્‍યારે સિગાપોરમાં આવેલ ૩૧ સ્‍થિર સંપત્તિઓ જેની કીંમત ૪૭૧.૩૨ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત ભારતીય કંપનીઓમાં ૯૩.૪૨ કરોડ રૂપિયાનાં ઇક્‍વિટી શેર્સ પણ જપ્ત કરવામાં આવ્‍યા છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મની લોન્‍ડરિગની આ તપાસ ગોવા પોલીસનાં સીઆઈડીએ દાખલ કરેલ એફઆઈઆરથી શરૂ થઈ હતી. ઈડીએ જણાવ્‍યું હતું કે સુપ્રીમે કોર્ટે ૨૦૧૪ અને ૨૦૧૮નાં પોતાના ચુકાદામાં સ્‍વીકાર્યુ હતું કે ૨૨ નવેમ્‍બર, ૨૦૦૭ પછી નવા માઇનિંગ લીઝ જારી થવા સુધી ગોવામાં થયેલ તમામ માઈનિંગ ગેરકાયદેસર હતું.

ગેરકાયદેસર રીતે કાઢવામાં આવેલ આયર્ન ઓરને બ્રિટિશ વર્જિન આઈલેન્‍ડમાં બનેલ શેલ કંપનીઓને ખૂબ જ ઓછી કીંમતમાં નિકાસ કરવામાં આવતું હતું.

આ કંપનીઓ ફક્‍ત કાગળ પર કાર્ય કરતી હતી. આ કંપનીઓ આ આયર્ન ઓર ચીનને ખૂબ જ સસ્‍તા ભાવે વેચી દેતી હતી. જેનાથી ૨૭૪૪.૮૯ કરોડ રૂપિયાનું વધારાનો નફો કમાવવામાં આવતો હતો.

(10:24 AM IST)