<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

ગ્લોબલ વોર્મિંગનો હાહાકાર: દુનિયાના ૧૦૦ સૌથી ગરમ શહેરોમાંથી ૯૭ માત્ર ભારતમાં: તાપમાન ૪૮ ડિગ્રીને પાર!

આઈએમડીના હીટવેવ એલર્ટ વચ્ચે ઓડિશાનું બાલનગીર વિશ્વમાં સૌથી ગરમ નોંધાયું: યુપી-બિહાર સહિત ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારો ભઠ્ઠીની જેમ શેકાયા: નેપાળના પણ ૩ શહેરો યાદીમાં સામેલ

નવી દિલ્હી: સમગ્ર ભારત હાલમાં જાણે કે સૂર્યદેવના પ્રકોપથી અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આકરી ગરમીની આગાહી અક્ષરશઃ સાચી સાબિત થઈ છે અને દેશના ઉત્તરીય, મધ્ય તથા પૂર્વીય ભાગોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતાં હાહાકાર મચી ગયો છે. વૈશ્વિક સ્તરે હવામાન પર નજર રાખતી સંસ્થા AQI.in ના તાજા આંકડા અનુસાર, બપોરના સમયે વિશ્વના ૧૦૦ સૌથી ગરમ શહેરોની જે યાદી જાહેર કરવામાં આવી, તેમાંથી ચોંકાવનારા ૯૭ શહેરો માત્ર ભારતના જ હતા! આ આંતરરાષ્ટ્રીય યાદીમાં ૪૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઓડિશાનું બાલનગીર આખા વિશ્વમાં સૌથી ગરમ શહેર તરીકે ઉભરી આવ્યું છે, જે દર્શાવે છે કે ગ્લોબલ વોર્મિંગની અસર ભારતમાં કેટલી ઘાતક બની ચૂકી છે.

ભારતના આ પ્રચંડ હીટવેવમાં ઉત્તર પ્રદેશ અને બિહારના શહેરો મોખરે રહ્યા છે. ઓડિશાના બાલનગીર બાદ બિહારનું સાસારામ ૪૮ ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા ક્રમે અને ઉત્તર પ્રદેશનું પવિત્ર શહેર વારાણસી ૪૭ ડિગ્રી સાથે ત્રીજા ક્રમે આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે. પ્રદૂષણ અને પ્રચંડ ધૂળની ડમરીઓ વચ્ચે ઘણા શહેરોના હવામાનને "અત્યંત ગરમ અને જોખમી" શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ આબોહવા પરિવર્તનની અસર પડોશી દેશ નેપાળમાં પણ જોવા મળી છે, જેના ત્રણ પહાડી શહેરો ધનગઢી (૨૩મું સ્થાન), નેપાળગંજ (૩૪મું સ્થાન) અને લુમ્બિની કલ્ચરલ સેન્ટર (૭૬મું સ્થાન) ૪૫°C થી ૪૬°C ના અસામાન્ય તાપમાન સાથે ટોચના ૧૦૦ શહેરોમાં સ્થાન પામ્યા છે.

વિશ્વના આ ગરમ નકશા પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરનગર, અયોધ્યા (૪૬°C), પંજાબનું પટિયાલા (૪૬°C), તેલંગાણાનું વારંગલ અને ઉત્તરાખંડનું પવિત્ર યાત્રાધામ હરિદ્વાર પણ ૪૬°C તાપમાન સાથે લિસ્ટમાં સામેલ છે. રાજસ્થાનના શ્રીગંગાનગરથી લઈને મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને ચંદીગઢમાં પણ પારો ૪૫°C ની આસપાસ નોંધાયો હતો, જ્યારે આગ્રા અને ભરતપુરમાં ૪૪°C એ લોકોના બેહાલ કર્યા છે. આ આકાશી આફતની સીધી અસર જનજીવન અને સ્વાસ્થ્ય પર પડી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આંધ્રપ્રદેશમાં ૧ માર્ચથી ૧૯ મે દરમિયાન જ હીટસ્ટ્રોક અને ગરમીને લગતી બીમારીઓના ૩૨૫થી વધુ શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેમાંથી ત્રીજા ભાગના કેસ માત્ર મે મહિનાની શરૂઆતમાં જ સામે આવ્યા છે, જે વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય છે.

(6:25 PM IST)