<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

વૈશ્વિક વેપારમાં ફરી તોફાનના એંધાણ: ટ્રમ્પ ફરી ભારત અને ચીન સહિત 14 દેશો પર ટેરિફ બોમ્બ ફોડવાની તૈયારીમાં

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ અમેરિકાએ ઔદ્યોગિક સબસિડીની તપાસ બાદ ભારત અને વિયેતનામ પર વધુ ટેરિફ ઝીંકવાની તૈયારી : જ્યારે યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા પર 15% કે તેથી ઓછો ટેરિફ લાગવાની શક્યતા

નવી દિલ્હી: ટ્રમ્પ ફરી એકવાર વૈશ્વિક વેપાર મોરચે 'ટેરિફ યુદ્ધ' છેડવાની તૈયારીમાં હોવાના અહેવાલોથી આંતરરાષ્ટ્રીય બજારોમાં હલચલ મચી ગઈ છે. 'વોલ સ્ટ્રીટ જર્નલ' ના અહેવાલ અનુસાર, અમેરિકા ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયનના 27 દેશો સહિત કુલ 14 દેશોમાંથી આયાત થતા માલસામાન પર ટેરિફ વધારવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર ટૂંક સમયમાં મહિનાઓથી ચાલી રહેલી ઔદ્યોગિક સબસિડીની તપાસના પરિણામો જાહેર કરે તેવી શક્યતા છે, જેના આધારે વિવિધ દેશો પર નવી આયાત ડ્યુટી લાગુ કરવામાં આવી શકે છે. જોકે, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ જેવા કેટલાક ઉત્પાદનો પર અગાઉથી જ રાષ્ટ્રીય સુરક્ષા નિયમો હેઠળ ટેરિફ લાગુ હોવાથી તેને આ નવી યાદીમાંથી બાકાત રખાય તેવી શક્યતા છે.

અહેવાલો મુજબ, આ નવા ટેરિફ માળખામાં દેશો વચ્ચે તફાવત જોવા મળી શકે છે, જેમાં યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા પર ટેરિફ 15 ટકા કે તેથી ઓછો રહેવાની સંભાવના છે, જ્યારે ભારત અને વિયેતનામ પર વધુ ટેરિફ લાદવામાં આવે તેવી અપેક્ષા છે. જે-તે દેશ પર કેટલી ડ્યુટી લાગશે તેનો આધાર અમેરિકા સાથેના તેમના વેપાર કરારની શરતો પર રહેશે. અમેરિકન સરકારનો મુખ્ય આરોપ છે કે અન્ય દેશો સરકારી સબસિડી દ્વારા પોતાની કંપનીઓને મદદ કરીને વૈશ્વિક બજારમાં સસ્તા ઉત્પાદનો ઠાલવે છે, જેનાથી અમેરિકન કંપનીઓને હરીફાઈમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.

અમેરિકા આ પગલાં દ્વારા સ્થાનિક ઉત્પાદકોને વિદેશી હરીફાઈથી રક્ષણ આપવા અને અમેરિકન બજારમાં વિદેશી ચીજવસ્તુઓ મોંઘી કરીને ઘરેલુ ઉદ્યોગોને મજબૂત કરવા માંગે છે, જોકે આર્થિક નિષ્ણાતોના મતે આનાથી અમેરિકન આયાતકારો અને ગ્રાહકો પર પણ મોંઘવારીનો બોજ પડી શકે છે. વ્હાઇટ હાઉસ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના કાર્યાલયે આ અહેવાલ પર હાલ કોઈ સત્તાવાર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે અને ભારત પર કેટલી વધારાની ડ્યુટી લાદવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ભારતીય નિકાસકારો અને ઉદ્યોગ જગતની નજર આગામી નિર્ણય પર મંડાયેલી છે.

(11:02 PM IST)