તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
શેરબજારમાં વૈશ્વિક તણાવની ભારે અસર: સેન્સેક્સ ૨૩૮ પોઈન્ટ ઘટીને ૭૭,૪૭૦ પર રેડ ઝોનમાં બંધ; નિફ્ટી પણ ૨૪,૧૮૭ ની સપાટીએ ગબડ્યો!
યુએસ-ઈરાન વચ્ચેના વધતા વિવાદથી રોકાણકારોમાં ફાળ પડી: એચડીએફસી બેંક અને રિલાયન્સ જેવા હેવીવેઈટ્સ તૂટ્યા, ટેક મહિન્દ્રા અને અલ્ટ્રાટેકે બજારને ટેકો આપ્યો

મુંબઈ, તા.૨૧: ભારતીય શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવથી ભરેલો ટ્રેડિંગ ડે જોવા મળ્યો હતો. દિવસના અંતે વેચવાલીના ભારે દબાણ સામે ઘૂંટણ ટેકવતા બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) ૨૩૮.૪૧ પોઈન્ટના કડાકા સાથે ૭૭,૪૭૦.૧૧ ની સપાટી પર બંધ થયો હતો. આ તરફ એનએસઈ નિફ્ટી (NSE Nifty) પણ ૫૦.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪,૧૮૭.૭૦ ની રેડ ઝોન રેન્જમાં પહોંચી ગયો હતો.
બજારના અગ્રણી નિષ્ણાતોના મતે, અમેરિકા અને ઈરાન વચ્ચે ભૂરાજકીય તણાવ સતત વધી રહ્યો હોવાના અહેવાલોથી વૈશ્વિક બજારોમાં રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા પર માડી અસર પડી છે. પરિણામે સ્થાનિક માર્કેટમાં પણ મોટા રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ અને સાવચેતીનું વલણ અપનાવીને નવી ખરીદીથી અંતર જાળવી રાખ્યું હતું.
ટાંચા પરિણામો અને આ શેરો બન્યા ઘટાડાના શિકાર
આજના કારોબારમાં સેન્સેક્સના ૩૦ મુખ્ય શેરોમાંથી એટરનલ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક, સન ફાર્મા અને મારુતિ સુઝુકીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને, નબળા ત્રિમાસિક નાણાકીય પરિણામો જાહેર થયા બાદ સતત બીજા દિવસે એચડીએફસી બેંકના શેરમાં ગાબડું પડતું જોવા મળ્યું હતું.
આ વિપરીત સંજોગો વચ્ચે પણ કેટલાક આઈટી અને સિમેન્ટ શેરોએ બજારને મોટો કડાકો બોલતા બચાવી લીધું હતું. ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન્સ પેઇન્ટ્સ અને એચસીએલ ટેકના શેરો ગ્રીન ઝોનમાં તેજી સાથે બંધ રહ્યા હતા.
એશિયન અને વૈશ્વિક માર્કેટનો મિશ્ર પ્રતિસાદ
એશિયાના અન્ય બજારોની વાત કરીએ તો, દક્ષિણ કોરિયાનો 'કોસ્પી' ૩.૬૮ ટકા, જાપાનનો 'નિક્કી ૨૨૫' ૨.૪૧ ટકા અને ચીનનો 'શાંઘાઈ કમ્પોઝિટ' ૦.૬૨ ટકા વધ્યો હતો, જ્યારે હોંગકોંગનો 'હેંગ સેંગ' ફ્લેટ ટ્રેડ થયો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ૦.૬૩ ટકા ઘટીને $૮૮.૬૬ પ્રતિ બેરલ નોંધાયા હતા.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
