<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

પાકિસ્તાન માટે 'વૈશ્વિક શરમ': અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવા નીકળેલું ઈસ્લામાબાદ હોટલનું બિલ ચૂકવવામાં પણ નિષ્ફળ!

શાંતિ વાટાઘાટો તો થઈ પણ સેરેના હોટલ હજુ પૈસાની જોતી રાહ; આર્થિક તંગી એટલી વણસી કે માલિકે હસ્તક્ષેપ કરવો પડ્યો; ૧૬ એપ્રિલથી ફરી શરૂ થશે બેઠકોનો દોર

ઈસ્લામાબાદ: પોતાને પ્રાદેશિક શાંતિના મસીહા ગણાવતા પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય મંચ પર ભારે ફજેતી થઈ છે. ૧૦ થી ૧૨ એપ્રિલ દરમિયાન ઈસ્લામાબાદમાં આયોજિત હાઈ-પ્રોફાઈલ અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો હવે તેના પરિણામોને કારણે નહીં, પણ એક શરમજનક બિલ વિવાદને કારણે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન સરકાર આ ભવ્ય આયોજનનું યજમાન પદ તો સંભાળી લીધું, પરંતુ કાર્યક્રમ જે સ્થળે યોજાયો હતો તે 'સેરેના હોટલ'નું બિલ ચૂકવવામાં તેના ખિસ્સા ખાલી થઈ ગયા છે.
હોટલ માલિકે કરવો પડ્યો હસ્તક્ષેપ
ગુપ્તચર સૂત્રોના હવાલાથી મળતી વિગતો મુજબ, પાકિસ્તાન સરકાર હોટલના બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળ રહી છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક સાથે જોડાયેલા હોટલના માલિકને પોતે દરમિયાનગીરી કરીને ખર્ચાઓના સમાધાન માટે આગળ આવવું પડ્યું હતું. આ ઘટનાએ પાકિસ્તાનની કથળતી જતી આર્થિક સ્થિતિ અને વૈશ્વિક વિશ્વસનીયતા પર મોટા સવાલો ઉભા કર્યા છે.
બીજા રાઉન્ડની વાટાઘાટો પર જોખમ?
આ આર્થિક વિવાદ છતાં, આ અઠવાડિયાના અંતમાં યુએસ-ઈરાન વાટાઘાટોનો બીજો રાઉન્ડ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, બંને દેશોની ટીમો ૧૬ એપ્રિલથી ફરી એકવાર ઈસ્લામાબાદમાં ટેબલ પર સામસામે બેસી શકે છે. આ વાટાઘાટો ૨૧ એપ્રિલના રોજ સમાપ્ત થતા બે અઠવાડિયાના યુદ્ધવિરામ પહેલા તણાવ ઓછો કરવા અને વ્યાપક સમજૂતી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
નસીબ કે નબળાઈ?
પાકિસ્તાન માટે આ પરિસ્થિતિ 'નસીબની બલિહારી' સમાન છે. એક તરફ તે વિશ્વની બે મોટી શક્તિઓ વચ્ચે સમાધાન કરાવીને પોતાની પ્રતિષ્ઠા વધારવા માંગે છે, તો બીજી તરફ મહેમાનોની મહેમાનગતિનું બિલ ચૂકવવાના પણ ફાંફા છે. હવે જોવાનું એ રહેશે કે ૧૬ એપ્રિલથી શરૂ થનારી બેઠકમાં પાકિસ્તાન પોતાની આર્થિક આબરૂ કેવી રીતે બચાવે છે.

(6:31 PM IST)