<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

ગ્લોબલ પોપ ક્વીન ટેલર સ્વિફ્ટનો રોમેન્ટિક અંદાજ: ‘પ્લેન’ નો અવાજ કાઢીને મંગેતર ટ્રેવિસને ચમચીથી ખવડાવ્યું; લાઈવ શોમાં વાયરલ વીડિયો જોઈ ફેન્સ ઘેલા થયા!

ભલે ટેલર સ્વિફ્ટ લાઈવ પોડકાસ્ટ શોમાં હાજર નહોતી, પણ તેના આ અદ્રશ્ય વીડિયોએ લૂંટી લીધી આખી મહેફિલ; સોશિયલ મીડિયા પર કપલની ક્યુટ કેમેસ્ટ્રીએ મચાવી ધૂમ.

લોસ એન્જલસ: તા.૧૮: હોલીવુડના પાવર કપલ ટેલર સ્વિફ્ટ અને એનએફએલ (NFL) સ્ટાર ટ્રેવિસ કેલ્સની જોડી હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ ૧૫ જૂનના રોજ લોસ એન્જલસમાં ટ્રેવિસ કેલ્સ અને જેસન કેલ્સના સુપરહિટ લાઇવ પોડકાસ્ટ શો ‘ન્યૂ હાઇટ્સ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સોલ્ડ-આઉટ શોમાં ગ્લોબલ પોપ આઇકોન ટેલર સ્વિફ્ટ શારીરિક રીતે હાજર નહોતી, તેમ છતાં એક અણધાર્યા અને અત્યાર સુધી છુપાયેલા વીડિયો ક્લિપે આખી સાંજની લાઈમલાઈટ ચોરી લીધી અને ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.

રેસ્ટોરન્ટનો ક્યૂટ વીડિયો અને ‘એરોપ્લેન’ નો અવાજ!

શો દરમિયાન જ્યારે કેલ્સ ભાઈઓ સ્ટેજ પર જૂની યાદો તાજી કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક મોટી સ્ક્રીન પર ટેલર અને ટ્રેવિસનો ક્યારેય ન જોયેલો વીડિયો પ્લે કરવામાં આવ્યો. આ ક્લિપમાં ટેલર સ્વિફ્ટ એક રેસ્ટોરન્ટમાં તેના મંગેતર ટ્રેવિસ સાથે ડિનર કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ટેલર સ્વિફ્ટ નાના બાળકોને જમાડવા માટે જેમ વાલીઓ મોઢાથી ‘ઝૂઉઉઉમ... વિમાન આવ્યું’ તેવો અવાજ કરે છે, તેવો જ અતિશયોક્તિભર્યો પ્લેનનો અવાજ કાઢીને ટ્રેવિસને રોમેન્ટિક અંદાજમાં ચમચીથી ખવડાવવાનો નખરો કરતી જોવા મળે છે. ટ્રેવિસ પણ આ મજાકનો હસતા-હસતા આનંદ લે છે અને કેમેરા તરફ ક્યુટ ઈશારા કરે છે.

શા માટે લાઈવ શોમાં બતાવવામાં આવ્યો આ ખાનગી વીડિયો?

વાસ્તવમાં, મે મહિનાના એક એપિસોડમાં ટ્રેવિસ કેલ્સની ખાવાની આદતો વિશે ચર્ચા થઈ હતી. ટ્રેવિસના ભાઈ જેસન અને તેની પત્ની કાઈલીએ ખુલાસો કર્યો હતો કે, ટેલર સ્વિફ્ટે ટ્રેવિસની લાઈફમાં આવીને તેની ખાવા-પીવાની આદતો સુધારી છે અને તે જે વાનગીઓ ખાવાનું ટાળતો હતો તે પણ હવે ખાવા લાગ્યો છે. એ સમયે પોડકાસ્ટના પ્રોડ્યુસર બ્રાન્ડન બોર્ડર્સે મજાકમાં કહ્યું હતું કે ટેલર ચોક્કસપણે ટ્રેવિસને ‘નાના વિમાનના અવાજો’ કરીને નવી વાનગીઓ ખવડાવતી હશે! આ વાત કેટલી સાચી છે, તેનો લાઈવ પુરાવો આ વીડિયો દ્વારા ફેન્સને જોવો મળ્યો, જેનાથી હોલ હાસ્ય અને રોમાંચથી ગુંજી ઉઠ્યો હતો.

ટેલર નહોતી પણ તેની હાજરીનો જાદુ છવાયેલો રહ્યો

પોડકાસ્ટ શો ભલે લોસ એન્જલસમાં હતો અને ટેલર સ્વિફ્ટ દેશના બીજા છેડે એટલે કે ન્યૂ યોર્ક શહેરમાં બ્રોડવે શો અને એનબીએ (NBA) ફાઇનલ્સની મજા માણી રહી હતી, છતાં આખી ઇવેન્ટમાં તેની જ ચર્ચા હતી. શોના સ્થળે ક્લાસિક રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પ્રીટી વુમન’ (Pretty Woman) થી પ્રેરિત એક અદભુત આર્ટવર્ક પણ મૂકવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગમાં ટેલર અને ટ્રેવિસને ફિલ્મના આઇકોનિક કપલ તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને નીચે એક મસ્ત ટેગલાઇન લખી હતી: "તે મેદાન છોડીને તેના જીવનમાં આવ્યો અને તેનું હૃદય ચોરી લીધું." ફેન્સ આ ક્યુટ મોમેન્ટ્સના વીડિયો સોશિયલ મીડિયા પર સતત શેર કરીને આ કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે.

(4:39 PM IST)