તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝના દરિયાઈ માર્ગ પર સર્જાયેલી યુદ્ધ જેવી કટોકટીથી ગ્લોબલ ઓઇલ માર્કેટમાં પ્રચંડ ભૂકંપ: તેલના ભંડારો તળિયે બેસવાની આશંકા
વૈશ્વિક ઇંધણ પુરવઠો રૂંધાતા જેપી મોર્ગન અને યુબીએસ જેવી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ બજાર તૂટવાની આપી ગંભીર ચેતવણી; ક્રૂડના ભાવો આસમાને પહોંચતા વિશ્વભરની ઇકોનોમી પર મંદીના કાળા વાદળો ઘેરાયા.

દુબઈ: મધ્ય પૂર્વમાં ભભૂકેલી ભૌગોલિક-રાજકીય તંગદિલીના કારણે વૈશ્વિક ઉર્જા ક્ષેત્રે અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ ઊભું થયું છે. દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના સપ્લાય માટે લાઇફલાઇન ગણાતો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' નો દરિયાઈ માર્ગ બંધ થઈ જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કટોકટી સર્જાઈ છે. વિશ્વભરમાંથી તેલનો જથ્થો રેકોર્ડ બ્રેક ગતિએ ઘટી રહ્યો હોવાથી આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) એ તેના તાજેતરના અહેવાલમાં લાલબત્તી ધરી છે કે જો આ માર્ગ લાંબો સમય બંધ રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને ક્રૂડના ભાવો તમામ રેકોર્ડ તોડી નાખશે.
આ ભયાનક પુરવઠા કટોકટી અંગે એક્સોન મોબિલના સીઈઓ ડેરેન વુડ્સે કંપનીના ત્રિમાસિક નાણાકીય પરિણામોની જાહેરાત દરમિયાન જણાવ્યું હતું કે, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન વિવિધ દેશોની સરકારો પાસે રહેલા વ્યૂહાત્મક અનામત જથ્થા અને દરિયામાં તરતા ટેન્કરોએ આંચકો જીરવી લીધો હતો. પરંતુ, જો હોર્મુઝ સ્ટ્રેટ લાંબો સમય બંધ રહેશે અને વાણિજ્યિક સ્ટોક આ જ રીતે ખાલી થતો રહેશે, તો વૈશ્વિક સ્તરે બળતણ મેળવવું સામાન્ય દેશો માટે અશક્ય બની જશે અને સમગ્ર વેપાર વ્યવસ્થા ઠપ થઈ જશે.
વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેન્ક યુબીએસ (UBS) ના આંકડા અનુસાર, ફેબ્રુઆરીના અંતમાં વિશ્વભરનો કુલ ઓઇલ સ્ટોક ૮ અબજ બેરલથી વધુ હતો, જે એપ્રિલના અંત સુધીમાં ઝડપથી ઘટીને ૭.૮ અબજ બેરલ પર આવી ગયો છે. જો તેલની આંતરરાષ્ટ્રીય માંગ આ જ સ્તરે યથાવત રહેશે, તો ચાલુ મે મહિનાના અંત સુધીમાં આ વૈશ્વિક ભંડાર ઘટીને ૭.૬ અબજ બેરલના અત્યંત નીચલા સ્તરે પહોંચી જશે, જેના કારણે તેલ ઉત્પાદક દેશો પર ઉત્પાદન વધારવાનું અભૂતપૂર્વ દબાણ ઊભું થશે.
બીજી તરફ, જેપી મોર્ગન ચેસના કોમોડિટીઝ નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનને કોઈ પણ અવરોધ વિના ચાલુ રાખવા માટે પાઈપલાઈન અને વિશાળ ટાંકીઓમાં અમુક ચોક્કસ માત્રામાં તેલ રાખવું અનિવાર્ય હોય છે. બેંકના ગ્લોબલ સ્ટ્રેટેજી હેડ નતાશા કનેવાએ સ્પષ્ટ કર્યું છે કે હાલની સમસ્યા ક્રૂડ ઓઇલની અછતની નથી, પરંતુ સપ્લાય નેટવર્કમાં તેની ઉપલબ્ધતા અને પરિવહનની ચેનલો તૂટી જવાની છે. જો આ કટોકટી સપ્ટેમ્બર મહિના સુધી લંબાશે, તો વૈશ્વિક તેલ ભંડાર ૬.૮ અબજ બેરલના અત્યંત જોખમી સ્તરે આવી જશે.
રેપિડન એનર્જી જેવી અગ્રણી કન્સલ્ટન્સી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે આગામી જુલાઈ અથવા ઓગસ્ટ મહિના સુધીમાં આ નાણાકીય નુકસાન અને તેલની અછત પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. આવી પરિસ્થિતિમાં વિશ્વના મોટા દેશોની આવશ્યક પરિવહન પ્રણાલીઓ અને એરલાઇન્સને ઈંધણ મેળવવા માટે ફાંફા મારવા પડશે. જોકે, આર્થિક વિશ્લેષકોનું એવું પણ માનવું છે કે આવી ભયાનક સ્થિતિ સર્જાય તે પહેલાં જ વિશ્વબજારમાં તેલની કિંમતો એટલી હદે વધી જશે કે મોંઘવારીના કારણે બળતણની વૈશ્વિક માંગમાં આપોઆપ મોટો ઘટાડો નોંધાવા લાગશે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
