News of Tuesday, 7th July 2026
વૈશ્વિક મંચ પર ભારતનો ડંકો: "હું પીએમ મોદીની કારકિર્દીનો પ્રશંસક છું અને તેમના કાર્યક્રમોની નકલ કરું છું", ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોનું મોટું નિવેદન
જકાર્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત; ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'બિન્ટાંગ આદિપૂર્ણા' મેડલથી પીએમ મોદીને નવાજવામાં આવ્યા

જકાર્તા, તા.૦૭: આંતરરાષ્ટ્રીય રાજનીતિના મંચ પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાતે ગયેલા પીએમ મોદીના સન્માનમાં યોજાયેલા ભવ્ય રાત્રિભોજન દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ પીએમ મોદીના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. રાષ્ટ્રપતિ સુબિયાન્ટોએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેઓ વડાપ્રધાન મોદીની રાજકીય કારકિર્દીના ખૂબ મોટા પ્રશંસક છે અને ભારતમાં ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસના મોડલની પોતાના દેશમાં નકલ (Copy) પણ કરી રહ્યા છે. આ નિવેદન સાંભળીને હોલમાં હાજર તમામ વૈશ્વિક નેતાઓ અને મહાનુભાવોએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો.
"મોદીજીના કાર્યક્રમો અમારા માટે પણ સુપરહિટ રહ્યા!"
પીએમ મોદીની હાજરીમાં ભોજન સમારંભને સંબોધિત કરતા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ ગર્વ સાથે જણાવ્યું કે, "હું પીએમ મોદીની અદ્ભુત કારકિર્દીને ખૂબ નજીકથી ફોલો કરું છું. ભારતમાં કરોડો લોકોના ઉત્થાન માટે તેમણે જે વિકાસલક્ષી કાર્યક્રમો ચલાવ્યા છે, મેં ઇન્ડોનેશિયામાં તેની બેઠ્ઠી નકલ કરી છે. મને આ વાત સ્વીકારવામાં બિલકુલ સંકોચ નથી, કારણ કે ભારત અને ઇન્ડોનેશિયાની પૃષ્ઠભૂમિ અને સમસ્યાઓ ઘણી બધી સમાન છે. ભારતે મોદીજીના નેતૃત્વમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને તેમની નીતિઓ હવે ઇન્ડોનેશિયામાં પણ સફળ સાબિત થઈ રહી છે. આ બદલ હું ભારતનો આભાર માનું છું."
પીએમ મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન
આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'બિન્ટાંગ આદિપૂર્ણા ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા' (Bintang Adipurna) મેડલ એનાયત કરીને સન્માનિત કર્યા હતા. આ પ્રતિષ્ઠિત મેડલ સ્વીકાર્યા બાદ પીએમ મોદી ખૂબ જ ભાવુક દેખાતા હતા અને તેમણે આ ક્ષણને બંને દેશોની સદીઓ જૂની દોસ્તીનું પ્રતીક ગણાવી હતી.
સન્માન ૧૪૦ કરોડ ભારતીયોનું છે: પીએમ મોદી
આ વૈશ્વિક ગૌરવ બદલ વડાપ્રધાન કાર્યાલય (PMO) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પીએમ મોદીનો સંદેશ શેર કર્યો હતો. પીએમ મોદીએ લખ્યું કે, "આજે મને અદ્ભુત પ્રેમ સાથે ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યો છે. આ એવોર્ડ મારો એકલાનો નથી, પરંતુ ભારતની ૧૪૦ કરોડ જનતા અને તેમની અથાક મહેનતનો છે. આ સન્માન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ઘનિષ્ઠ સંબંધોની જીવંત સાક્ષી પૂરે છે. હું રાષ્ટ્રપતિ પ્રબોવો જી, ઇન્ડોનેશિયા સરકાર અને અહીંના પ્રેમાળ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું." આ મુલાકાતથી દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતના રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બનશે તે નક્કી છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
