તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
વૈશ્વિક અર્થતંત્રના ચીંથરેહાલઃ ઈરાન-અમેરિકાની જંગના કારણે મોંઘવારી બેફામ
અમેરિકામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટ્યો તો ઈરાનની પણ કમર ભાંગીઃ દુનિયા એક વર્ષ પાછળ ધકેલાવાની ભીતિ : હોર્મુઝ બંધ થતા ક્રૂડના ભાવમાં લાગેલી આગ હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી

વોશિંગ્ટન તા.૮: વિશ્વના નકશા પર હોર્મુઝની ખાડી માત્ર એક જળમાર્ગ નથી, પણ વૈશ્વિક વેપારની જીવાદોરી છે, જે અત્યારે ઈરાન-અમેરિકાના સંઘર્ષને કારણે ગૂંગળાઈ રહી છે. દુનિયાનું ૨૦ ટકા ક્રૂડ જ્યાંથી પસાર થાય છે તે રસ્તો બંધ થતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ બેરલના ભાવ ૭૩ ડોલરથી ઉછળીને સીધા ૧૨૦ ડોલરને પાર કરી ગયા છે. આ ઉછાળાની અસર એવી છે કે ફ્રેન્ચ ચિતક મોન્ટેસ્કુનું વિધાન શાંતિ એ વેપારની અનિવાર્ય શરત છે આજે અક્ષરશઃ સાચું સાબિત થઈ રહ્યું છે. ઈરાનમાં ફુગાવો એટલો બેકાબૂ બન્યો છે કે સરકારે ઈતિહાસની સૌથી મોટી 'એક કરોડ રિયાલ'ની નોટ બહાર પાડવી પડી છે, જેની ભારતીય ચલણમાં કિમત માંડ ૭૦૦ રૂપિયા જેટલી જ થાય છે. આ આર્થિક પતન સૂચવે છે કે યુદ્ધ માત્ર સરહદો પર જ નથી લડાતું, પણ તે સામાન્ય જનતાના ખિસ્સા પર પણ સર્જિકલ સ્ટ્રાઈક કરે છે.
મહાસત્તા અમેરિકા, જે અત્યાર સુધી પોતાની આર્થિક મજબૂતીના બણગાં ફૂંકતું હતું, તે પણ હવે મોંઘવારીના ભરડામાં આવી ગયું છે. ગેસ અને પેટ્રોલિયમની કિમતોમાં ૨૧ ટકાનો તોતિગ વધારો થતાં અમેરિકામાં મોંઘવારી ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ભલે ગાલ લાલ રાખીને ફરતું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ફેડરલ રિઝર્વ પર વ્યાજ દરો ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે. આ જ હાલત યુરોપના ૨૧ દેશોની છે, જ્યાં રશિયાનો ગેસ બંધ થયા બાદ અમેરિકા પરની નિર્ભરતા મોંઘી પડી રહી છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકના મતે જો આ સ્થિતિ વધુ એક મહિનો ચાલશે, તો પરિવહન મોંઘું થવાને કારણે જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાનને આંબશે અને યુરોપનો ગ્રોથ રેટ તળિયે બેસી જશે.
ભારત અને તેની આસપાસના પાડોશી દેશો પણ આ વૈશ્વિક લપેટમાંથી બચી શક્યા નથી. ભારતમાં ભલે અનાજના ભાવ સ્થિર હોય, પરંતુ કોમર્શિયલ ગેસ અને ખાનગી કંપનીઓના પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. હોર્મુઝની સપ્લાય ચેન તૂટવાને કારણે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ઉર્જા સંકટ ઘેરું બન્યું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ચેતવણી મુજબ, જો આ યુદ્ધ લાંબું ચાલ્યું તો વૈશ્વિક વિકાસદર ૨.૫ ટકા સુધી ગગડી શકે છે, જેનો અર્થ એ છે કે આધુનિક દુનિયા વિકાસની દોડમાં એક આખું વર્ષ પાછળ ફેંકાઈ જશે. અત્યારે સ્થિતિ એવી છે કે વેનેઝુએલાથી લઈને જર્મની સુધીના દેશો એક જ સવાલ પૂછી રહ્યા છેઃ નેતાઓની જીદની કિમત સામાન્ય જનતા ક્યાં સુધી ચૂકવતી રહેશે?
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
