<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

વૈશ્વિક સાયબર ખતરો: એઆઈ દ્વારા સોફ્ટવેરની ગંભીર ખામીઓ ઝડપથી બહાર આવવા લાગતા વિશ્વભરમાં સાયબર હુમલાનો ખતરો વધ્યો: નિષ્ણાતોની વધુ વિક્ષેપો સર્જાવાની ચેતવણી

વિશ્વના સાયબર સુરક્ષાના સાત નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં આવી ખામીઓથી ઇન્ટરનેટ સેવાઓ ખોરવાવાની ઘટનાઓ વધી શકે છે: પી.એચ.પી. પ્રોગ્રામિંગ ભાષામાં બે અત્યંત ગંભીર ખામીઓ બહાર આવ્યાના પગલે અન્ય મહત્ત્વના સોફ્ટવેરમાં પણ ગંભીર ખામીઓ સામે આવી રહી છે: ક્લાઉડફ્લેર

વોશિંગ્ટન:કૃત્રિમ બુદ્ધિ - એઆઈની વધતી ક્ષમતાને કારણે વિશ્વભરના કમ્પ્યુટર સોફ્ટવેરમાં વર્ષોથી છુપાયેલી સુરક્ષા ખામીઓ ઝડપથી બહાર આવી રહી છે. સાયબર સુરક્ષાના સાત નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં આવી ખામીઓથી ઇન્ટરનેટ સેવાઓ ખોરવાવાની ઘટનાઓ વધી શકે છે.

અમેરિકાની સાયબર સુરક્ષા સંસ્થા વલ્નચેકના સંશોધન મુજબ એક વર્ષમાં શોધાયેલી ડિજિટલ સુરક્ષા ખામીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે. તાજેતરમાં વેબસાઇટો ચલાવવા માટે વ્યાપકપણે વપરાતી પી.એચ.પી. પ્રોગ્રામિંગ ભાષામાં બે અત્યંત ગંભીર ખામીઓ બહાર આવતાં યુરોપ સહિત અનેક દેશોની સરકારી વેબસાઇટો સુરક્ષાના કારણોસર અસ્થાયી બંધ કરાઈ હતી.

ક્લાઉડફ્લેરના મુખ્ય કાર્યકારી અધિકારી મેથ્યુ પ્રિન્સના જણાવ્યા મુજબ અન્ય મહત્ત્વના સોફ્ટવેરમાં પણ ગંભીર ખામીઓ સામે આવી રહી છે. અગાઉ આવી ખામીઓ શોધીને તેનો દુરુપયોગ કરવાની પદ્ધતિ તૈયાર કરવામાં અઠવાડિયાં લાગતાં, જ્યારે હવે કૃત્રિમ બુદ્ધિ -એઆઈથી આ કામ કલાકોમાં શક્ય બન્યું છે.

જોકે નિષ્ણાતોના મતે વધુ ખામીઓ શોધાવાનો અર્થ દરેક વખતે સફળ સાયબર હુમલો થાય એવો નથી. ભારતમાં પણ સાયબર સુરક્ષા એજન્સીએ પી.એચ.પી.ની અસરગ્રસ્ત આવૃત્તિઓ તાત્કાલિક સુધારવાની ચેતવણી આપી છે.

 

(10:45 PM IST)