તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
વોટ આપો, વહુ લાવો": ભાજપના ધારાસભ્યએ ચૂંટણી જીતતા જ ખોલ્યું અનોખું 'લગ્ન બ્યુરો'!
વિકાસના વાયદા તો જૂના થયા : હવે હરિયાણાના પટૌડીમાં સિંગલ્સના થશે લગ્ન; ધારાસભ્ય બિમલા ચૌધરીએ કુંવારા યુવાનો પાસે બાયોડેટા માંગ્યા : સોશિયલ મીડિયા પર 'બાયોડેટા પોલિટિક્સ'નો ભારે ક્રેઝ

રેવાડી: સામાન્ય રીતે ચૂંટણીમાં નેતાઓ રસ્તા, પાણી અને વીજળીના વચનો આપતા હોય છે, પરંતુ હરિયાણાના પટૌડી મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય બિમલા ચૌધરીએ એક એવું વચન આપ્યું હતું જેણે આખા રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. રેવાડી મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપની જીત બાદ ધારાસભ્યએ જાહેરાત કરી છે કે હવે તેઓ કુંવારા યુવાનોના ઘર વસાવવામાં મદદ કરશે. તેમણે જાહેરમાં અપીલ કરી છે કે જે કોઈ યુવાન લગ્ન માટે લાયક હોય અને હજુ પણ કુંવારો હોય, તેણે પોતાનો બાયોડેટા લઈને તેમની પાસે આવી જવું. ધારાસભ્યની આ અનોખી 'લગ્ન ગેરંટી' એ હરિયાણાના રાજકારણમાં હાસ્ય અને કુતૂહલનું મોજું ફેરવી દીધું છે.
આ અનોખા અભિયાનની શરૂઆત ત્યારે થઈ જ્યારે રેવાડીમાં ભાજપના ઉમેદવાર વિનીતા પીપલની ભવ્ય જીત બાદ આભારવિધિ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય મંત્રી આરતી રાવે પણ ધારાસભ્યની મજાક કરતા કહ્યું હતું કે, "બિમલાજીએ તો રેવાડીમાં સરકારી મેરેજ બ્યુરો ખોલી નાખ્યું છે, હવે કોઈ સિંગલ હોય તો શરમાશો નહીં!" ધારાસભ્ય બિમલા ચૌધરીએ ખૂબ જ ગંભીરતાથી જણાવ્યું કે તેઓ અત્યાર સુધીમાં ફારુખનગર અને પટૌલીની અનેક દીકરીઓના લગ્ન ગોઠવી ચૂક્યા છે. હવે તેમનું લક્ષ્ય રેવાડીના એવા યુવાનોને મદદ કરવાનું છે જેઓ યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે.
ધારાસભ્ય બિમલા ચૌધરીની આ શૈલી સોશિયલ મીડિયા પર 'બાયોડેટા રાજકારણ' તરીકે વાયરલ થઈ રહી છે. પોતે બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા બિમલાજી માને છે કે સમાજ સેવા માત્ર ઓફિસના કામો પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ, પણ લોકોના વ્યક્તિગત અને સામાજિક પ્રશ્નો ઉકેલવામાં પણ હોવી જોઈએ. તેમણે પોતાને 'પલવલની દીકરી' ગણાવતા વચન આપ્યું છે કે રેવાડીમાં કોઈ પણ લાયક યુવાન અપરિણીત નહીં રહે. નેતાઓની આ નવી શૈલી જોઈને લોકો રમુજમાં કહી રહ્યા છે કે, "જો આવી જ ગેરંટી મળતી હોય, તો મત આપવામાં શું વાંધો!"
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
