<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ગીરનાર પર સિંહે ૧૧ વર્ષના બાળકને ફાડી ખાધોઃ અવશેષો મળ્‍યા

સીડી પર લાઈટના અભાવે અંધકાર વચ્‍ચે સવારે ૫:૪૫ વાગ્‍યાની ઘટનાઃ મહેમદાવાદ જિલ્લાના પરિવારનો બાળક ભોગ બન્‍યોઃ સીડીની આજુબાજુનો વિસ્‍તાર બંધ કરાવી દેવાયોઃ ગિરનાર ઉપર સિંહના હુમલાની પ્રથમ ઘટના

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧: ગિરનાર પર આજે સવારે ૦૫:૪૫ વાગ્‍યાની આસપાસ એક સિંહ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે આ બનાવમાં મહેમદાવાદ જિલ્લાના પરિવારના બાળકોના અવશેષ મળી આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે.  આ ઘટનાના પગલે વન વિભાગનો કાફલો સ્‍થળ પર પહોંચ્‍યો હતો અને તપાસ હાથ ધરી હતી.

ગિરનાર પર સિંહના હુમલાના બનાવ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો એવી છે કે, મહેમદાવાદ જિલ્લાના મોદજ ગામના મહેન્‍દ્રસિંહ ચૌહાણ સહિતના ૫૦ થી ૬૦ લોકો આજે સવારે ગિરનારની યાત્રાએ જવા નીકળ્‍યા હતા. આ લોકો જ્‍યારે ગિરનાર પર્વતની સીડીના ૫૦ પગથિયે પહોંચ્‍યા ત્‍યારે સીડી પર લાઈટના અભાવે અંધકાર વચ્‍ચે અચાનક ધસી આવેલા સિંહે હુમલો કર્યો હતો અને વચ્‍ચે રહેલા ૧૧ વર્ષના મયુરસિંહ મહેન્‍દ્રસિંહ ચૌહાણને ઉઠાવી ગયો હતો.

બાળકને મોમાં લઈને સિંહ જંગલ તરફ નાસી ગયો હતો. અને ૫૦ પગથિયેથી જંગલના અંદરના ભાગે ૧૦૦ મીટરના અંતરેથી બાળકના પગ સહિતના અવશેષ મળી આવ્‍યા હતા.

આ ઘટનાને જાણ થતા તાત્‍કાલિક વન વિભાગનો કાફલો સ્‍થળ પર પહોંચ્‍યો હતો અને સિંહ તેમજ બાળકની શોધખોળ હાથ ધરી હતી. ગીરનાર પર સિંહના હુમલાની આ પ્રથમ ઘટના હોવાનું મનાય રહ્યું છે. આ બનાવથી ગિરનારની યાત્રાએ આવેલા લોકો સહિતનાઓમાં ફફડાટ અને ભય વ્‍યાપી ગયો છે.

સીડીની આજુબાજુનો વિસ્‍તાર બંધ કરાવી દેવામાં આવ્‍યો

બનાવની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને પોલીસ દ્વારા હાલ મુખ્‍ય સીડીની આજુબાજુનો વિસ્‍તાર તદ્દન બંધ કરાવી દેવામાં આવ્‍યો છે. યાત્રાળુઓની સુરક્ષા માટે તેમને અવરજવર કરવા સારું જટાશંકર નજીકની જૂની સીડી તરફથી જવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ વન વિભાગની અલગ-અલગ ટીમો બનાવીને હિંસક પશુ (સિંહ/દીપડા)ની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેને પકડવા માટે ઘટનાસ્‍થળની આસપાસ પાંજરા પણ ગોઠવી દેવાયા છે.(

(10:58 AM IST)