<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

છોકરીઓ પોતાના મા-બાપનું નાક ઊંચું રાખવા કોઈના છોકરા ખતમ કરી રહી છે

કેતનની હત્‍યા જોઈ રાજા રઘુવંશીની માતાનું દર્દ છલકાયું : જો લગ્ન ન કરવા હોય તો મા-બાપને કહી દો, કોઇના દીકરા ન છીનવો

પુણે તા.૨૬: પુણેમાં કેતન અગ્રવાલ પોતાની મંગેતર સિયા સાથે લોહાગઢ કિલ્‍લા પર ટ્રેકિગ કરવા ગયો હતો. બાદમાં તેની લાશ ખીણમાંથી મળી. તેની મંગેતર સિયા પર આરોપ લાગ્‍યો છે કે તેણે પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળી કેતનની હત્‍યા કરી નાખી અને તેને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દીધો. આ મામલો ઇન્‍દોરના રાજા રઘુવંશી હત્‍યાકાંડ જેવો જ છે. હવે પુણે હત્‍યાકાંડ પર રાજા રઘુવંશીની મા ઉમા રઘુવંશીનું નિવેદન પણ સામે આવ્‍યું છે.

પુણે હત્‍યાકાંડ પર રાજા રઘુવંશીની માએ કહ્યું કે, આવી છોકરીઓને હું એ જ કહેવા માગું છું કે મુસ્‍કાન અને સોનમને જોઈને છોકરીઓને હિમત આવી રહી છે. સોનમ જામીન પર બહાર ફરી રહી છે. છોકરીઓને લાગે છે કે અમારી પાછળ છે ને બધા, છોડાવી લેશે. સિયાને પણ આવું જ લાગ્‍યું કે થોડા દિવસ બાદ હું પણ બહાર ફરીશ.

 તમને શું લાગે છે કે છોકરીઓએ પોતાના પરિવાર સાથે વાત કરી લેવી જોઈએ? આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, છોકરીઓએ પોતાના પરિવાર સાથે વાત કરવી જોઈએ કે અમને તમારી પસંદના છોકરા સાથે લગ્ન નથી કરવા, જે તમને પસંદ હોય તેની વાત કરો. પોતાના મા-બાપનું નાક ઊંચું રાખવા માટે કોઈના લાલના જીવ ન લઈ લો. ઘરમાં છોકરીઓ કહી શકતી નથી અને બહાર છોકરાઓને મારી રહી છે.

તેમણે કહ્યું કે, સોનમને જો અત્‍યાર સુધીમાં સજા મળી જતી તો આ કેસ સામે ન આવતો. પહેલા રાજા સાથે આવું થયું હતું. પછી મુસ્‍કાને કર્યું. ધારમાં પણ આવો જ એક કેસ આવ્‍યો છે. હવે ૬ મહિના બાદ ફરીથી કેસ સામે આવ્‍યો છે. આમને કડકમાં કડક સજા મળવી જોઈએ. કાં તો આમને ફાંસી આપો. હું માંડ માંડ મારી જાતને સંભાળું છું. ત્‍યાં ફરી આવો કેસ આવી જાય છે, જેથી મારા જખમ ફરી તાજા થઈ જાય છે. મારા દીકરા સાથે પણ આવું જ થયું હતું. ફરી પાછી રાજાની વાત યાદ આવી જાય છે.

તેમણે કહ્યું કે, આજે હવે કેતનની માતા સાથે આવું થયું. અમારી જેવી માતાની શું ભૂલ છે, જે દીકરાઓ છીનવાઈ રહ્યા છે. જો છોકરીઓને લગ્ન નથી કરવા, તો મા-બાપને કહી દો. અમને સજા શું કામ આપી રહ્યા છો? જો ખીણમાં કૂદવું હોય તો પોતે કૂદી જાવ, અમને મા-બાપને શું કામ તકલીફો આપો છો

(9:50 AM IST)