<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

માઉન્ટ એવરેસ્ટના ખુંબુ આઇસફોલમાં ૧૦ માળની ઇમારત જેવડો વિશાળ હિમખંડ લટકતા ખતરો : ૪૦૦થી વધુ પર્વતારોહકો બેઝ કેમ્પમાં અટવાયા

હિમપ્રપાત અને જાનહાનિના ડરથી એવરેસ્ટ અભિયાન થંભી ગયું : 'સુસાઇડ પેસેજ' પર જોખમી બરફનો બ્લોક ગમે ત્યારે તૂટી પડવાની દહેશત વચ્ચે પર્વતારોહકોમાં ફાળ પડી : અનેક એક્સપિડિશન રદ થવાના આરે

કાઠમંડુ": વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહણની સીઝન શરૂ થતાની સાથે જ એક મોટી આફત આવી પડી છે. એવરેસ્ટના બેઝ કેમ્પની બરાબર ઉપર આવેલા અત્યંત જોખમી ગણાતા ખુંબુ આઇસફોલમાં ૧૦ માળની ઇમારત જેવડો વિશાળ બરફનો બ્લોક (સેરેક) લટકી રહ્યો હોવાનું જાણવા મળતા પર્વતારોહણ અભિયાન અટકાવી દેવામાં આવ્યું છે. અંદાજે ૩૦ મીટર ઊંચો આ હિમખંડ ગમે ત્યારે તૂટી પડવાની અને જીવલેણ હિમપ્રપાત સર્જાવાની ભીતિને કારણે ૪૧૦ જેટલા પર્વતારોહકો અને સ્થાનિક ગાઈડ્સ હાલ બેઝ કેમ્પમાં જ અટવાઈ પડ્યા છે.

આ જોખમી હિમખંડની શોધ ૧૦ એપ્રિલના રોજ અનુભવી સ્થાનિક શેરપાઓ દ્વારા કરવામાં આવી હતી. આ બ્લોક ૫,૩૦૦ થી ૫,૫૦૦ મીટરની ઊંચાઈ પર, બેઝ કેમ્પ અને કેમ્પ વન વચ્ચેના માર્ગ પર આવેલો છે. આ માર્ગને પર્વતારોહણની ભાષામાં 'સુસાઇડ પેસેજ' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે સૌથી અસ્થિર અને જોખમી હિસ્સો ગણાય છે. ખુંબુ ગ્લેશિયરની ઝડપી હિલચાલ અને બરફના તૂટવાને કારણે આ કુદરતી રચના થઈ છે. ગ્લેશિયર જેમ જેમ નીચે સરકે છે તેમ તેમ બરફના પથ્થરો બરડ થઈને તૂટે છે અને અત્યારે એક વિશાળ ખડક સીધો જ પર્વતારોહણના મુખ્ય માર્ગ પર લટકી રહ્યો છે.

આ પરિસ્થિતિને કારણે એવરેસ્ટ સર કરવા નીકળેલી ટુકડીઓના શેડ્યૂલમાં અઠવાડિયાઓનો વિલંબ થઈ રહ્યો છે. એપ્રિલ અને મે મહિનો એવરેસ્ટ સર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે એપ્રિલના મધ્ય સુધી પણ પર્વતારોહકો ઉપરના કેમ્પ સુધી પહોંચી શક્યા નથી. મેડિસન માઉન્ટેનિયરિંગના ગેરેટ મેડિસને બેઝ કેમ્પથી જણાવ્યું હતું કે, માર્ગ બંધ હોવાને કારણે તમામ અભિયાનો મોડા પડી રહ્યા છે. જો આ અવરોધ દૂર કરવામાં વધુ સમય લાગશે તો અનેક અભિયાનો રદ કરવાની નોબત આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ખુંબુ આઇસફોલમાં આ પ્રકારના હિમપ્રપાત ભૂતકાળમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૧૪માં થયેલા હિમપ્રપાતમાં ડઝનથી વધુ શેરપાઓએ જીવ ગુમાવ્યા હતા. નેપાળ માટે પર્વતારોહણ આવકનો મોટો સ્ત્રોત છે કારણ કે વિશ્વના સૌથી ઊંચા આઠ શિખરો અહીં આવેલા છે. અત્યારે પર્વતારોહકો અને શેરપાઓ બરફનો આ વિશાળ બ્લોક તૂટી પડે તેની અથવા માર્ગ સુરક્ષિત થાય તેની રાહ જોઈ રહ્યા છે. જો આ હિમખંડ તૂટે તો ટનબંધ બરફ માર્ગ પર ફેલાઈ શકે છે, જે નીચે રહેલા કોઈપણ પર્વતારોહક માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

(3:12 PM IST)