<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

મોંઘવારીના ભડકા વચ્ચે લોન મેળવવી વધુ મોંઘી બનશે: RBI ઓક્ટોબર અને ડિસેમ્બરમાં રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરે તેવી પ્રબળ શક્યતા!

પશ્ચિમ એશિયામાં તણાવના કારણે ક્રૂડ ઓઇલ $૧૦૦ ને પાર પહોંચતા અને ખાદ્ય ચીજો મોંઘી થતાં મોનેટરી પોલિસી કમિટી આકરા નિર્ણયો લેવા મજબૂર: લોનના EMI વધવાની ચિંતા વચ્ચે HSBC, નોમુરા અને SBI નો નવો સંકેત

મુંબઈ : દેશમાં વધતી જતી મોંઘવારી અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવ વચ્ચે સામાન્ય નાગરિકો માટે ઘર, કાર કે પર્સનલ લોનના EMI વધુ મોંઘા થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ફુગાવાનો દર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની નિર્ધારિત લિમિટ વટાવી જવાની આશંકા વચ્ચે અર્થશાસ્ત્રીઓએ વર્તારો આપ્યો છે કે, કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) આગામી ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાની બેઠકમાં રેપો રેટમાં ૨૫-૨૫ બેસિસ પોઈન્ટનો તબક્કાવાર વધારો કરી શકે છે. જો આ અનુમાન સાચું ઠરશે તો દેશમાં રેપો રેટ વર્તમાન સ્તરથી વધીને ૫.૭૫% સુધી પહોંચી જશે, જેની સીધી અસર સામાન્ય બેંક ગ્રાહકોના ખિસ્સા પર પડશે.

અર્થશાસ્ત્રીઓના મતે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના ત્રીજા ક્વાર્ટરમાં રિટેલ ફુગાવો ૬.૧% ની ઊંચી સપાટીએ પહોંચી શકે છે, જે આરબીઆઈની ૨% થી ૬% ની લક્ષ્ય મર્યાદા કરતાં વધુ છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક તણાવને કારણે ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $૧૦૦ ને વટાવી ગયું છે, જેનાથી દેશમાં ઇંધણ, ટ્રાન્સપોર્ટેશન અને મેન્યુફેક્ચરિંગ ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત, ઓગસ્ટ મહિનામાં છૂટક ફુગાવો વધીને ૪.૮૨% અને ખાદ્ય ફુગાવો ૫.૬૬% પર પહોંચ્યો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં શાકભાજી, ખાંડ અને ખાદ્ય તેલના ભાવ વધવાથી ફુગાવો ૫.૫% થી ૫.૬% સુધી પહોંચવાની ગંભીર શક્યતા જોવા મળી રહી છે.

વૈશ્વિક અને સ્થાનિક નાણાકીય સંસ્થાઓએ પણ વ્યાજદરમાં વધારાના સંકેત આપ્યા છે. HSBC ના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ પ્રાંજલ ભંડારીના જણાવ્યા મુજબ ફુગાવો સતત ૯ મહિના સુધી ૫% ની ઉપર રહી શકે છે, જેના કારણે ઓક્ટોબર અને ડિસેમ્બરમાં ૨૫-૨૫ બેસિસ પોઈન્ટનો વધારો નક્કી માનવામાં આવે છે. નોમુરાના સોનલ વર્મા અને અરુદીપ નંદીએ પોતાના વ્યાજદરના અનુમાનમાં સુધારો કરતા ઓક્ટોબરમાં રેટ હાઇકની ૬૦% શક્યતા દર્શાવી છે. તેવી જ રીતે, SBI રિસર્ચના સૌમ્ય કાંતિ ઘોષ અને IDFC ફર્સ્ટ બેંકના ગૌરા સેનગુપ્તાએ પણ ઓક્ટોબર-ડિસેમ્બરમાં દર વધારાનો સંકેત આપ્યો છે, જ્યારે MUFG ડિસેમ્બર ૨૦૨૬ અને ફેબ્રુઆરી ૨૦૨૭ દરમિયાન વ્યાજદરમાં વધારો થવાની ધારણા વ્યક્ત કરી છે.

(10:30 PM IST)