<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

નોઈડા એરપોર્ટથી ઉડાન ભરવા તૈયાર થઈ જાઓ: 1 જુલાઈથી ઈન્ડિગોની 32 ફ્લાઈટ્સનો ધમધમાટ શરૂ થશે, લખનૌ, જયપુર અને ચંદીગઢ સહિતના શહેરો માટે સીધી કનેક્ટિવિટી

દૈનિક 28 અને સાપ્તાહિક 4 વિમાનો સાથે નોઈડા બનશે એરપોર્ટ હબ: પ્રવાસીઓ માટે બુકિંગ પોર્ટલ શરૂ, દિલ્હી-NCR અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુસાફરોને મળશે મોટી રાહત

નોઈડા: તા.૦૮ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (જેવર) થી આગામી 1 જુલાઈ 2026 થી ઘરેલું ઉડાન ક્ષેત્રે મોટો વિસ્તાર થવા જઈ રહ્યો છે. દેશની અગ્રણી એરલાઇન ઈન્ડિગો (IndiGo) એ આ એરપોર્ટ પરથી કુલ 32 ફ્લાઈટ્સનું શિડ્યુલ તૈયાર કરી લીધું છે. જેમાં 28 ફ્લાઈટ્સ દરરોજ ઉડાન ભરશે, જ્યારે 4 ફ્લાઈટ્સ અઠવાડિયાના નિર્ધારિત દિવસોમાં ઓપરેટ કરવામાં આવશે. આ નવી સુવિધાને કારણે નોઈડા હવે દિલ્હી-NCR નું ત્રીજું સૌથી મોટું એર હબ બની જશે.
ઈન્ડિગો દ્વારા જારી કરવામાં આવેલા શિડ્યુલ મુજબ, નોઈડાથી શ્રીનગર, નવી મુંબઈ, ભોપાલ, દેહરાદૂન, ધર્મશાળા, જોધપુર, જયપુર, ચંદીગઢ અને લખનૌ જેવા મહત્વના શહેરો માટે સીધી ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે. પ્રવાસીઓની સુવિધા માટે લખનૌ, જયપુર અને ચંદીગઢ જેવા રૂટ પર દિવસમાં બે થી ત્રણ ફ્લાઈટ્સ રાખવામાં આવી છે. આ ઉપરાંત, બરેલી અને કિશનગઢ માટે સાપ્તાહિક ધોરણે વિમાનો ઉડાન ભરશે. ધાર્મિક અને પ્રવાસન સ્થળો જેવા કે જમ્મુ અને પંતનગર માટેની કનેક્ટિવિટીથી પર્યટકોને મોટો ફાયદો થશે.
એરલાઇન કંપનીએ તેના સત્તાવાર પ્લેટફોર્મ અને ટ્રાવેલ પાર્ટનર્સ દ્વારા બુકિંગની પ્રક્રિયા પણ તબક્કાવાર રીતે શરૂ કરી દીધી છે. નોઈડા એરપોર્ટના ઓપરેશનલ થવાથી દિલ્હીના આઈજીઆઈ (IGI) એરપોર્ટ પરનું ભારણ ઘટશે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના લોકોને ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળશે. વ્યાપારી અને પ્રવાસન દૃષ્ટિએ આ કનેક્ટિવિટી આવનારા સમયમાં નોઈડા અને આસપાસના વિસ્તારોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ઈન્ડિગોનું ફ્લાઈટ શિડ્યુલ (મુખ્ય રૂટ):
રૂટ    ફ્લાઈટ નંબર    સમય (પ્રસ્થાન)
નોઈડા – લખનૌ    6E 7624    06:00 AM
નોઈડા – જયપુર    6E 7646    06:40 AM
નોઈડા – ચંદીગઢ    6E 7655    06:15 AM
નોઈડા – શ્રીનગર    6E 2729    10:00 AM
નોઈડા – જોધપુર    6E 7675    02:40 PM
નોઈડા – ભોપાલ    6E 7653    02:35 PM

(5:06 PM IST)