તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
નિવૃત્તિ પછી દર મહિને મેળવો ₹૨૦,૦૦૦ નું પેન્શન: જાણો નેશનલ પેન્શન સિસ્ટમનું ગણિત અને રોકાણનો માસ્ટરપ્લાન
માત્ર ૨૫ વર્ષની ઉંમરથી મહિને ₹૨,૬૦૦ નું નાનું રોકાણ બનાવી શકે છે ₹૧ કરોડનું ભંડોળ; ૪૦:૬૦ ના નિયમથી સુરક્ષિત કરો તમારું ભવિષ્ય

નવી દિલ્હી, તા.૦૭: નિવૃત્તિ પછી નાણાકીય સ્વતંત્રતા અને આત્મનિર્ભર જીવન જીવવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. વૃદ્ધાવસ્થામાં નિયમિત આવક જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારની નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એક સલામત અને શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહી છે. યોગ્ય સમયે અને શિસ્તબદ્ધ રીતે કરેલું નાનું રોકાણ નિવૃત્તિ સમયે એક મોટું ભંડોળ તૈયાર કરી આપે છે, જેનાથી દર મહિને રૂ. ૨૦,૦૦૦ નું નિશ્ચિત પેન્શન મેળવવું ખૂબ જ સરળ બની જાય છે.
એનપીએસના ગણિત મુજબ, ૬૦ વર્ષની ઉંમરે એકત્ર થયેલા કુલ ભંડોળમાંથી ૬૦ ટકા રકમ એકસાથે (લમ્પ સમ) કરમુકત ઉપાડી શકાય છે, જ્યારે બાકીની ૪૦ ટકા રકમ વાર્ષિકી (Annuity) માં રોકવી પડે છે. જો તમને મહિને રૂ. ૨૦,૦૦૦ એટલે કે વાર્ષિક રૂ. ૨,૪૦,૦૦૦ ના પેન્શનની જરૂર હોય અને વાર્ષિકી પર ૬ ટકા વળતર ધારીએ, તો રૂ. ૪૦ લાખનું વાર્ષિકી ભંડોળ હોવું જરૂરી છે. આ રૂ. ૪૦ લાખ એ કુલ ભંડોળના ૪૦ ટકા ભાગ દર્શાવે છે, જેનો અર્થ એ થાય કે ૬૦ વર્ષની વયે તમારું કુલ એનપીએસ ભંડોળ રૂ. ૧ કરોડ હોવું જોઈએ. આ સ્થિતિમાં તમને રૂ. ૬૦ લાખ રોકડા મળશે અને દર મહિને રૂ. ૨૦,૦૦૦ નું ગેરંટીડ પેન્શન શરૂ થઈ જશે.
રૂ. ૧ કરોડનું આ ભંડોળ બનાવવા માટે રોકાણકારની ઉંમર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો સરેરાશ ૧૦ ટકા વાર્ષિક વળતર ગણીએ, તો ૨૫ વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરનાર વ્યક્તિએ દર મહિને માત્ર રૂ. ૨,૬૦૦ નુ રોકાણ કરવું પડશે. જ્યારે ૩૦ વર્ષની ઉંમરે દર મહિને રૂ. ૪,૪૦૦ અને ૩૫ વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરનાર વ્યક્તિએ દર મહિને રૂ. ૭,૫૦૦ નું રોકાણ કરવું પડશે. ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિને કારણે નાની ઉંમરે શરૂ કરેલું ઓછું રોકાણ પણ મોટું ભંડોળ સર કરી શકે છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
