<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

જર્મની હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે માત્ર 'સ્ટડી ડેસ્ટિનેશન' નહીં પણ રિસર્ચનું હબ બનશે: નવી શિક્ષણ વ્યૂહરચના હેઠળ સંશોધન અને સંસ્થાઓ વચ્ચે જોડાણ પર ભાર

60,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સાથે જર્મનીમાં ભારતનો દબદબો; ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની મુલાકાત બાદ હાયર એજ્યુકેશનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત

નવી દિલ્હી, તા. 29: જર્મની અને ભારત વચ્ચેના શૈક્ષણિક સંબંધો હવે એક નવા અને ગહન સ્તર પર પહોંચવા જઈ રહ્યા છે. જર્મનીની મુખ્ય શૈક્ષણિક એજન્સી DAAD (જર્મન એકેડેમિક એક્સચેન્જ સર્વિસ) એ તેની ભારત માટેની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કર્યો છે. હવે જર્મની માત્ર ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવાને બદલે ભારતની શૈક્ષણિક સંસ્થાઓ સાથે લાંબા ગાળાની ભાગીદારી અને સંયુક્ત સંશોધન (Research) પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. હાલમાં 60,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા છે, જે ત્યાંનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સમુદાય છે.
DAAD ના અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારતીય વિદ્યાર્થીઓની આકાંક્ષાઓ બદલાઈ રહી છે; તેઓ હવે માત્ર ડિગ્રી મેળવવા પૂરતું મર્યાદિત ન રહેતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધનની તકો શોધી રહ્યા છે. આ પરિવર્તનને વેગ આપવા માટે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની ભારત મુલાકાત દરમિયાન 'ઇન્ડો-જર્મન કોમ્પ્રીહેન્સિવ રોડમેપ ઓન હાયર એજ્યુકેશન' લોન્ચ કરવામાં આવ્યો હતો. આ રોડમેપ હેઠળ 'SPARC-GIANT' જેવા પ્રોગ્રામ્સ દ્વારા હેલ્થકેર, સેમિકન્ડક્ટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મહત્વના ક્ષેત્રોમાં બંને દેશોની યુનિવર્સિટીઓ સાથે મળીને કામ કરશે.
એક રસપ્રદ બાબત એ છે કે, જર્મની હવે ઈચ્છે છે કે ભારતીય વિદ્યાર્થીઓ તો ત્યાં જાય જ, પણ સાથે સાથે જર્મન વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે ભારત આવે. બંને દેશો વચ્ચે શિક્ષણનું આદાન-પ્રદાન 'ટુ-વે ટ્રાફિક' જેવું બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ ઉપરાંત, જર્મની હવે માત્ર ટોચની સંસ્થાઓ નહીં પણ ભારતના વિવિધ રાજ્યોની યુનિવર્સિટીઓ અને પછાત વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ આ પ્રક્રિયામાં સામેલ કરવા માંગે છે.
જોકે, જે લોકો એવું વિચારી રહ્યા હતા કે જર્મન યુનિવર્સિટીઓ ભારતમાં પોતાના કેમ્પસ ખોલશે, તેમને થોડી રાહ જોવી પડશે. DAAD એ સ્પષ્ટ કર્યું છે કે જર્મન પબ્લિક યુનિવર્સિટીઓ નફાખોરીમાં માનતી નથી અને ત્યાં શિક્ષણ મફત જેવું છે, તેથી ભારતમાં કેમ્પસ ખોલવાને બદલે સંસ્થાઓ વચ્ચેના 'કોલેબરેશન' પર જ ભાર મુકાશે. જર્મનીની વધતી જતી વૃદ્ધ વસ્તી અને સ્કિલ્ડ વર્કર્સની અછતને જોતા, પ્રતિભાશાળી ભારતીય યુવાનો જર્મનીના અર્થતંત્ર માટે પણ કરોડરજ્જુ સમાન સાબિત થઈ રહ્યા છે.

(4:19 PM IST)