News of Sunday, 10th May 2026
આધાર કાર્ડમાં ટેકનિકલ ખામીનો ભોગ સામાન્ય જનતા ન બનવી જોઈએ: બોમ્બે હાઈકોર્ટે UIDAI ને ખખડાવી નાખ્યું
બાયોમેટ્રિક વિસંગતતાઓના કારણે નાગરિકોને ધક્કા ખવડાવતી સિસ્ટમ સામે કોર્ટે લાલ આંખ કરી, સાચા રહેવાસીઓને સુવિધાજનક અને માનવીય અભિગમ સાથે સેવા આપવા કડક આદેશો જારી કર્યા

મુંબઈ: આધાર કાર્ડમાં આવતી ટેકનિકલ ખામીઓ કે બાયોમેટ્રિક ભૂલોના કારણે સામાન્ય નાગરિકોએ કચેરીઓના ધક્કા ખાવા પડે તે જરાય ચલાવી લેવાય નહીં તેવી કડક ટિપ્પણી બોમ્બે હાઈકોર્ટે કરી છે. જસ્ટિસ રવિન્દ્ર ઘુગે અને હિતેન વેણેગાવકરની ખંડપીઠે UIDAI ની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, ડેટાબેઝની સુરક્ષા મહત્વની છે પરંતુ તેનો અમલ નાગરિક-કેન્દ્રિત હોવો જોઈએ. સિસ્ટમની ખામી માટે કોઈ સાચા રહેવાસીને સેવાઓથી વંચિત રાખી શકાય નહીં કે તેમને અદાલતના દરવાજા ખખડાવવા મજબૂર કરી શકાય નહીં.
કોર્ટે આ આદેશ ૧૯ વર્ષના બે જોડિયા ભાઈઓના કિસ્સામાં આપ્યો હતો, જેમને ૨૦૧૨માં આધાર મળ્યા હતા પરંતુ ૨૦૨૨માં અપડેટ કરવા જતા વહીવટી ગૂંચવણોમાં ફસાઈ ગયા હતા. આ ભાઈઓને ક્યારેક રદ કરવાની તો ક્યારેક સ્થગિત કરવાની સૂચનાઓ આપીને હેરાન કરવામાં આવ્યા હતા, જેના કારણે તેમને શિક્ષણ અને રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં વીમો મેળવવામાં પણ મુશ્કેલી પડી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળપણમાં લેવાયેલા બાયોમેટ્રિક્સમાં ખામી હોય તો તેનો દોષ નાગરિક પર ન થોપી શકાય.
હાઈકોર્ટે UIDAI ને આદેશ આપ્યો છે કે ચાર અઠવાડિયાની અંદર અરજીઓનો નિકાલ કરવો અને જો કોઈ કાનૂની અવરોધ ન હોય તો નવા કાર્ડ જારી કરવા. વધુમાં, પ્રાદેશિક કચેરીઓમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા અને નાગરિકોને વારંવાર મુલાકાતો ન લેવી પડે તે માટે લેખિત સંદેશાવ્યવહારની પદ્ધતિ વિકસાવવા સૂચના આપી છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે સત્તાવાળાઓએ અરજદારો પ્રત્યે માનવીય અભિગમ અપનાવવો જોઈએ જેથી બિનજરૂરી મુકદ્દમાબાજી ટાળી શકાય.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
