તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
બ્રાઝિલમાં દક્ષિણપંથી વિચારધારા સામે GEN-Zનો મોરચો: ફ્લાવિયો બોલ્સોનારો સામે વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા
'નો ટુ ફાધર, નો ટુ સન': રિયો ડી જાનેરોમાં હજારો યુવાનોનો વિરોધ : ૨૫ ઓક્ટોબરે યોજાનારા બીજા રાઉન્ડના મતદાન પહેલાં રાજકીય ગરમાવો

રિયો ડી જાનેરો: ફ્રાન્સ બાદ હવે દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં પણ વિદ્યાર્થીઓ અને જનરેશન-ઝેડ (Gen-Z) દ્વારા જમણેરી વિચારધારા સામે વ્યાપક વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના પુત્ર અને હાલના રાષ્ટ્રપતિ પદના જમણેરી ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારો સામે વિરોધ નોંધાવવા રાજધાની રિયો ડી જાનેરો સહિતના શહેરોમાં હજારો યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા છે. વિરોધકર્તાઓના હાથમાં "નોટ ફાધર, નોટ સન" (પિતા પણ નહીં, પુત્ર પણ નહીં) અને "ક્યારેય સરમુખત્યારશાહી નહીં" લખેલા બેનરો જોવા મળ્યા હતા.
તાજેતરમાં યોજાયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં સેનેટર ફ્લાવિયો બોલ્સોનારોને ૪૭% મત મળ્યા હતા, જ્યારે વર્તમાન ડાબેરી રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને ૪૫% મત મળ્યા હતા. કોઈ પણ ઉમેદવારને સ્પષ્ટ બહુમતી (૫૦% થી વધુ મત) ન મળતાં હવે ૨૫ ઓક્ટોબરે બીજા રાઉન્ડનું મતદાન યોજાશે.
ભ્રષ્ટાચારના આરોપો હેઠળ જેલવાસ ભોગવી રહેલા પિતા જેયર બોલ્સોનારો માટે ફ્લાવિયો દ્વારા માફીની માંગ કરાતાં અને તેમની વિચારધારા ટ્રમ્પ જેવી હોવાની આશંકાથી યુવા વર્ગમાં ચિંતા વધી છે. જનરેશન-ઝેડના યુવાનો અને લોકશાહીના સમર્થકોને ડર છે કે જો જમણેરી શાસન આવશે તો નાગરિક અધિકારો, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લઘુમતી સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે. આ વૈચારિક જંગ વચ્ચે હવે સમગ્ર દેશની નજર ૨૫ ઓક્ટોબરના અંતિમ ચૂંટણી પરિણામો પર ટકેલી છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
