<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

તાંબાના કારોબારમાં ગૌતમ અદાણીની મોટી છલાંગ: ચિલીની સરકારી કંપની સાથે કરાર કરી વૈશ્વિક સ્તરે વધારી મજબૂતી

અદાણી ગ્રુપની કચ્છ કોપર લિમિટેડે વિશ્વના સૌથી મોટા કોપર ઉત્પાદક સાથે હાથ મિલાવ્યા: ગુજરાતના મુન્દ્રા પ્લાન્ટને સીધો ફાયદો થવાની સાથે ભારત બનશે વધુ આત્મનિર્ભર

નવી દિલ્હી : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપે કોપર (તાંબુ) ના વૈશ્વિક વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે એક ઐતિહાસિક અને મોટી છલાંગ લગાવી છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની સહાયક કંપની 'કચ્છ કોપર લિમિટેડ' (KCL) એ દક્ષિણ અમેરિકાના દેશ ચિલીની સરકારી કોપર ઉત્પાદક દિગ્ગજ કંપની 'કોડેલ્કો' (Codelco) સાથે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ આંતરરાષ્ટ્રીય ભાગીદારીથી વૈશ્વિક સ્તરે અદાણી ગ્રૂપની પકડ વધુ મજબૂત બનશે.

આ ભાગીદારી અંતર્ગત ઉત્તરી ચિલીના એન્ટોફગાસ્ટા ક્ષેત્રમાં આવેલા વિશ્વના સૌથી મોટા કોપર ઉત્પાદક બેલ્ટ 'કાબુરકાલા કોપર પ્રોજેક્ટ'ને વિકસાવવામાં આવશે. આ ઐતિહાસિક કરાર પર હાલમાં જ લંડનમાં સંપન્ન થયેલા 'એલએમઈ વીક ૨૦૨૬' દરમિયાન કેસીએલના ડિરેક્ટર જીત અદાણી, અદાણી નેચરલ રિસોર્સેસના સીઈઓ વિનય પ્રકાશ અને કોડેલ્કોના ચેરમેન બર્નાર્ડો ફોન્ટેનની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટના માધ્યમથી ચિલીના સમૃદ્ધ ખણિન સંસાધનો સીધા ગુજરાતના મુન્દ્રા ખાતે આવેલા અદાણીના વિશાળ કોપર સ્મેલ્ટર કોમ્‍પ્‍લેકસ સાથે જોડાશે.

જીત અદાણીએ આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોપર જેવા મહત્વપૂર્ણ સંસાધનો ભવિષ્યના આર્થિક પરિવર્તનના કેન્દ્રમાં છે અને આ વૈશ્વિક સ્તરની સુરક્ષિત આપૂર્તિથી ભારતની રિન્યુએબલ એનર્જી, ઈલેક્ટ્રિક વાહનો (EVs) તેમજ અદ્યતન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની જરૂરિયાતોને મોટું બળ મળશે. આ સંયુક્ત પ્રોજેક્ટમાં અદાણી જૂથ મૂડી રોકાણ, આધુનિક ટેકનોલોજી આધારિત એક્સપ્લોરેશન અને વિશાળ સ્તરે કામગીરી પૂરી પાડવાની કુશળતા લાવશે, જ્યારે કોડેલ્કો પોતાની ભૌગોલિક જાણકારી અને આંતરરાષ્ટ્રીય અનુભવનું યોગદાન આપશે.

વર્તમાન સમયમાં રિન્યુએબલ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર ટ્રાન્સમિશન અને ઈલેક્ટ્રિફિકેશન માટે કોપરની વૈશ્વિક માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. અદાણી જૂથની આ વૈશ્વિક ભાગીદારી ભારતને ક્રિટિકલ મિનરલ્સ અને તાંબાની આયાત પરની નિર્ભરતા ઘટાડીને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવા તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે, જેનાથી દેશના આર્થિક વિકાસને વધુ વેગ મળશે.

(11:28 AM IST)