<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ભારતીય રિયલ એસ્ટેટના નવા 'કિંગ' બન્યા ગૌતમ અદાણી: લોઢા અને DLF જેવી દિગ્ગજ કંપનીઓને પાછળ છોડી અદાણી પ્રોપર્ટીઝનું સામ્રાજ્ય બન્યું સૌથી મૂલ્યવાન!

ગૌતમ અદાણી અને તેમના પરિવારની રિયલ એસ્ટેટ સંપત્તિમાં તોતિંગ ૭૩%નો ઉછાળો; ₹૯૦,૪૦૦ કરોડના મૂલ્યાંકન સાથે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું

અમદાવાદ : ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક ઐતિહાસિક બદલાવ જોવા મળ્યો છે. વર્ષોથી આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જમાવી બેઠેલી DLF અને લોઢા જેવી દિગ્ગજ કંપનીઓને પાછળ છોડીને ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ભારતના સૌથી ધનિક રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયા છે. 'ગ્રોહે-હુરુન ઇન્ડિયા રિયલ એસ્ટેટ ૧૫૦ રિપોર્ટ' મુજબ, અદાણી પ્રોપર્ટીઝનું મૂલ્ય એક જ વર્ષમાં ૭૨.૫% ના જબરદસ્ત ઉછાળા સાથે ₹૯૦,૪૦૦ કરોડ પર પહોંચ્યું છે.

આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે અદાણી પ્રોપર્ટીઝ હાલમાં સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ (Unlisted) નથી, તેમ છતાં તેણે દેશની સૌથી મૂલ્યવાન રિયલ એસ્ટેટ કંપની તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. કંપનીએ છેલ્લા એક વર્ષમાં જ આશરે ₹૩૮,૦૦૦ કરોડનું નવું મૂલ્ય ઉમેર્યું છે, જે આ વર્ષે સમગ્ર ઉદ્યોગમાં સૌથી વધુ છે.

કોણ કેટલા પાણીમાં? દિગ્ગજોની સંપત્તિમાં ઘટાડો

જ્યાં એક તરફ અદાણી ગ્રુપ રિયલ એસ્ટેટમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ પરંપરાગત રિયલ એસ્ટેટ જાયન્ટ્સને બજારના મંદ પ્રવાહનો સામનો કરવો પડ્યો છે.

· DLF: રાજીવ સિંહ અને તેમનો પરિવાર ₹૯૦,૨૦૦ કરોડની સંપત્તિ સાથે હવે બીજા સ્થાને સરકી ગયા છે, જેમાં તેમની સંપત્તિમાં ૨૯%નો ઘટાડો નોંધાયો છે.

· લોઢા ડેવલપર્સ: મંગળ પ્રભાત લોઢા અને તેમનો પરિવાર ₹૬૭,૭૦૦ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે, જેમના મૂલ્યાંકનમાં ૨૭%નો ઘટાડો જોવા મળ્યો છે.

ભવિષ્યનો સૌથી મોટો રિયલ એસ્ટેટ વ્યવસાય?

હુરુન રિપોર્ટના તારણો સૂચવે છે કે અદાણી ગ્રુપ જે રીતે પોતાની રિયલ એસ્ટેટ પ્રવૃત્તિઓને 'અદાણી પ્રોપર્ટીઝ' હેઠળ એકીકૃત કરી રહ્યું છે, તે જોતા ભવિષ્યમાં આ ગ્રુપ ભારતનો સૌથી મોટો રિયલ એસ્ટેટ પ્લેયર બની શકે છે. નોંધપાત્ર છે કે આ વર્ષે સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ દર માત્ર ૨% જેટલો ધીમો રહ્યો છે, જે છેલ્લા નવ વર્ષમાં સૌથી ઓછો છે. આવા પડકારજનક સમયમાં અદાણી પ્રોપર્ટીઝનું આ પ્રદર્શન તેમના લાંબા ગાળાના વિઝન અને મજબૂત બિઝનેસ મોડલની સાબિતી આપે છે.

આ સાથે જ, હવે રિયલ એસ્ટેટના ગલીયારામાં ચર્ચા એ છે કે શું અદાણી ગ્રુપનું આ આક્રમક વિસ્તરણ અન્ય જૂની કંપનીઓ માટે નવા પડકારો ઊભા કરશે? તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ હાલમાં તો રિયલ એસ્ટેટના તાજ પર ગૌતમ અદાણીનું નામ અંકિત થઈ ગયું છે.

 

(7:58 PM IST)