<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો: ગભરાટમાં ખરીદી ન કરવા સરકારની અપીલ

ઘરેલુ અને વાણિજ્યિક સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો ભાવવધારો: દેશમાં ગેસનો પૂરતો સ્ટોક હોવાથી ગ્રાહકોને અફવાઓથી દૂર રહેવા સૂચના

રાજકોટ : દેશમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક અસરોને પગલે ગેસના ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે. જૂન માસના પ્રારંભે ઓઈલ કંપનીઓ દ્વારા ઘરેલુ અને વાણિજ્યિક ગેસ સિલિન્ડરના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલ દેશમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠામાં કોઈ અછત નથી, તેથી નાગરિકોએ પેનિક બુકિંગ કે ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી.

વર્તમાન દરો પર નજર કરીએ તો, દિલ્હીમાં ૧૪.૨ કિગ્રાના ઘરેલુ સિલિન્ડરની કિંમત ₹૯૪૨.૦૦, મુંબઈમાં ₹૯૪૧.૫૦, લખનૌમાં ₹૯૭૯.૫૦ અને પટનામાં આ ભાવ ₹૧,૦૩૧.૫૦ સુધી પહોંચ્યો છે. તેવી જ રીતે વાણિજ્યિક ક્ષેત્રે પણ ભાવમાં ઉછાળો આવ્યો છે, જેમાં દિલ્હીમાં ૧૯ કિગ્રાના સિલિન્ડરનો ભાવ ₹૩,૧૧૩.૫૦ અને પટનામાં ₹૩,૪૦૦.૦૦ નોંધાયો છે. આ ભાવવધારો વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ અને પુરવઠા શૃંખલામાં પડેલી અસરનું પરિણામ છે.

સરકારી આંકડા મુજબ, છેલ્લા ત્રણ દિવસમાં ૧.૪૭ કરોડથી વધુ સિલિન્ડર સફળતાપૂર્વક ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. સરકારી રિફાઈનરીઓ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને ઘરેલુ વપરાશ માટે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક વિતરણ વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જેથી ગ્રાહકોને મુશ્કેલી ન પડે.

પશ્ચિમ એશિયામાં તણાવને કારણે અગાઉ જે પુરવઠામાં વિલંબ થયો હતો તે હવે ક્રમશઃ સામાન્ય થઈ રહ્યો છે. સરકારે નિર્દેશ આપ્યો છે કે જે વિસ્તારોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ઉપલબ્ધ છે, ત્યાં તેના ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફક્ત અધિકૃત ડિજિટલ પ્લેટફોર્મ અને ગેસ વિતરકોના માધ્યમથી જ બુકિંગ કરાવે અને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે.

(11:00 AM IST)