News of Sunday, 30th August 2026
ગેસ સિલિન્ડરથી લઈને કાર ખરીદવા સુધી, ૧ સપ્ટેમ્બરથી બદલાશે ૫ મોટા નિયમ: સામાન્ય નાગરિકોના ખિસ્સા અને દૈનિક જીવન પર થશે સીધી અસર: રાંધણગેસ, કાર, દૂધ અને હવાઈ મુસાફરીના નિયમોમાં ફેરફાર

નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં પાંચ મોટા નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારો સામાન્ય નાગરિકોના રસોડાના બજેટથી લઈને કાર ખરીદી અને મુસાફરી સુધી સીધી અસર કરશે. ૧ સપ્ટેમ્બરથી અમલી બનનારા આ નિયમોમાં એલપીજી સિલિન્ડરની નવી કિંમતો, કારના ભાવવધારો, દૂધના ભાવમાં ઉછાળો અને એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયાને સરળ બનાવતા નિર્ણયોનો સમાવેશ થાય છે.
૧. એલપીજી સિલિન્ડર અને ઈ-કેવાયસી પ્રક્રિયા: ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડર અને એર ટર્બાઇન ફ્યુઅલના નવા ભાવોની સમીક્ષા કરીને સંશોધિત કિંમતો જાહેર કરે છે. આ ઉપરાંત, રાંધણ ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી અને નિયમિત પુરવઠો જાળવી રાખવા માટે ગ્રાહકોએ ૩૧ ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગેસ કંપનીઓએ અગાઉ આપેલી મુદતમાં વધારો કર્યો હતો, જેથી નિયત સમયમાં પ્રક્રિયા પૂર્ણ ન કરનાર ગ્રાહકોને સિલિન્ડર બુકિંગ અને વિતરણમાં અડચણ આવી શકે છે.
૨. ટાટા અને હ્યુન્ડાઈની કારો થશે મોંઘી: નવો વાહન ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે સપ્ટેમ્બર મહિનો ખર્ચાળ સાબિત થશે. દેશની અગ્રણી ઓટોમોબાઇલ કંપનીઓ ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ પોતાની કારો અને એસયુવી મોડેલ્સના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના વિવિધ વેરિઅન્ટ્સમાં રૂ. ૨૫,૦૦૦ સુધીનો વધારો ઝીંકવામાં આવી રહ્યો છે, જ્યારે હ્યુન્ડાઈ પણ પોતાના વાહનોની કિંમતોમાં સુધારો અમલી બનાવશે.
૩. મુંબઈમાં તબેલાનું દૂધ મોંઘું, પ્રતિ લિટર સીધો રૂ. ૯ નો વધારો: મુંબઈ શહેરમાં રહેતા નાગરિકો માટે દૂધના ભાવમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે. પેકેટવાળા દૂધ સિવાય તબેલાના છૂટક દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૯ નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવવધારા સાથે અત્યાર સુધી રૂ. ૯૩ પ્રતિ લિટરે વેચાતું તબેલાનું દૂધ હવે રૂ. ૧૦૨ પ્રતિ લિટરના ભાવે મળશે. પશુ આહાર, ચારો અને પશુપાલન ખર્ચમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
૪. એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયા સરળ બનશે: વિદેશ પ્રવાસ કરતા મુસાફરો માટે ૧ સપ્ટેમ્બરથી એક મોટો રાહતરૂપ ફેરફાર થવા જઈ રહ્યો છે. હવેથી ભારતીય એરપોર્ટ્સ પર ઇમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની ફરજિયાત જરૂરિયાત દૂર કરવામાં આવી રહી છે. મુસાફરો પોતાના મોબાઈલમાં ઇલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટ કોપી બતાવીને સરળતાથી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.
૫. હવાઈ ઈંધણના દરોમાં ફેરફાર: દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ દ્વારા એવિએશન ટર્બાઈન ફ્યુઅલ એટલે કે વિમાનના ઈંધણના દરોની પણ નવી જાહેરાત કરવામાં આવે છે. આ દરોમાં થતા ફેરફારના આધારે આગામી દિવસોમાં એરલાઈન્સ કંપનીઓ દ્વારા હવાઈ ટિકિટના ભાડાંમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
