News of Sunday, 20th September 2026
1 ઓક્ટોબરથી બદલાશે ગેસ સિલિન્ડર બુકિંગનો નિયમ: સબસિડી ચાલુ રાખવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન થયું ફરજિયાત
ઘરેલુ LPG સિલિન્ડર પર સબસિડીનો લાભ મેળવવા માટે સરકારે નવો નિયમ લાગુ કર્યો છે, જેથી પાત્ર પરિવારો સુધી જ યોગ્ય લાભ પહોંચી શકે

નવી દિલ્હી : ઓક્ટોબર મહિનો એલપીજી (LPG) વપરાશકર્તાઓ માટે એક મોટા નિયમ ફેરફાર સાથે શરૂ થવા જઈ રહ્યો છે. આગામી ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી ઘરેલુ એલપીજી સિલિન્ડર બુકિંગ માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (BAA) સંપૂર્ણપણે ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. એટલે કે જે ગ્રાહકો નિયમન કરેલ છૂટક વેચાણ કિંમત પર લાગુ સબસિડી સાથે એલપીજી રિફિલ બુક કરાવવા માંગે છે, તેમણે આ બાયોમેટ્રિક પ્રમાણીકરણ પ્રક્રિયા અચૂકપણે પૂર્ણ કરવી પડશે, જેથી માત્ર પાત્ર પરિવારો સુધી જ સબસિડીનો લાભ પહોંચી શકે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ૧૯ સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં આશરે ૨૭.૪૩ કરોડ સક્રિય ઘરેલુ એલપીજી ગ્રાહકોએ આ પ્રક્રિયા પૂરી કરી લીધી છે, જે કુલ વપરાશકર્તાઓના ૮૯.૯ ટકા છે. જો કોઈ ગ્રાહક સમયમર્યાદામાં આ પ્રક્રિયા નહીં કરે તો એલપીજી સિલિન્ડર મળવાનું બંધ નહીં થાય, પરંતુ તેમણે બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે અને સબસિડીનો લાભ મળશે નહીં. હાલ સપ્ટેમ્બર ૨૦૨૬માં ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડર પર પરોક્ષ સબસિડી આશરે ૨૧૦ રૂપિયા છે, જે આ પ્રક્રિયા બાદ ફરીથી મેળવી શકાશે.
આ બાયોમેટ્રિક પ્રમાણીકરણની પ્રક્રિયા કોઈ નવી નથી કારણ કે દેશભરમાં આ રાષ્ટ્રવ્યાપી અભિયાન ઓક્ટોબર ૨૦૨૩થી ચાલી રહ્યું છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ ૩૦ જૂન હતી, જેને લંબાવીને ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ કરવામાં આવી હતી અને હવે ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી આ નિયમનો કડક અમલ થવા જઈ રહ્યો છે, જેનાથી ડુપ્લિકેટ અને અયોગ્ય કનેક્શનો પર રોક લગાવી શકાશે.
ગ્રાહકોએ આ પ્રક્રિયા માટે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની જરૂર નથી કારણ કે તેઓ સિલિન્ડરની ડિલિવરી વખતે રૂબરૂ, પોતાના ગેસ વિતરકના શોરૂમની મુલાકાત લઈને અથવા સરકારી તેલ કંપનીઓની મોબાઇલ એપ્લિકેશનની મદદથી ઘરે બેઠા પણ આ બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ સરળતાથી પૂર્ણ કરી શકે છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
