<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ગાર્મેન્‍ટ ઉદ્યોગને રૂ.૩૦૦૦ કરોડ બિઝનેસની આશા

વૈશ્વિક ક્ષેત્રે પડકારજનક સ્‍થિતિને પચાવી સ્‍થાનિક ગારમેન્‍ટ ઉદ્યોગને વેગ મળવાની અપેક્ષા

નવી દિલ્‍હી તા.૨૩: વૈશ્વિક ક્ષેત્રે પડકારજનક સ્‍થિતિને પચાવી સ્‍થાનિક ગારમેન્‍ટ ઉદ્યોગને વેગ મળવાની અપેક્ષા છે. આગામી મહિનાથી શરૂ થતાં તહેવારોની સિઝનથી લઈ દિવાળી સુધીમાં ગુજરાતનો ગારમેન્‍ટ ઉદ્યોગ ૩,૦૦૦ કરોડના કામકાજની આશા રાખી રહ્યો હોવાનું જીજીએમએના પ્રમુખ વિજયભાઈ પુરોહિતે જણાવ્‍યું હતું. હાલમાં યોજાયેલા ૪૦માં જીજીએમએ નેશનલ ગાર્મેન્‍ટ ફેર ૨૦૨૬માં પોઝિટીવ ટ્રેન્‍ડ જોવાયો હતો અને ૩ દિવસ દરમિયાન દેશભરમાંથી ૩૦,૦૦૦થી વધુ ખરીદદારો આવ્‍યા હતા, જેઓ દ્વારા નોંધપાત્ર ઓર્ડર મળ્‍યા હતા. આને કારણે વૈશ્વિક પડકારો વચ્‍ચે પણ સ્‍થાનિકમાં માગ સારી રહેવાની આશા જોવાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ભારતની ટોચની ટેક્‍સટાઇલ ઉત્‍પાદક કંપનીઓ, બ્રાન્‍ડ્‍સ અને સપ્‍લાયર્સની હાજરી જોવાઈ હતી, એમ જણાવીને ફેરના ઇન્‍ચાર્જ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ અર્પણ શાહના જણાવ્‍યા અનુસાર, પ્રદર્શનમાં ૨૦૦થી વધુ પ્રદર્શકો અને ૧૦૦૦થી વધુ જાણીતી બ્રાન્‍ડ્‍સે ભાગ લીધો હતો. વધુમાં ૨૦ જેટલા રાજ્‍યોના ખરીદદારો અને વ્‍યાપારી પ્રતિનિધિઓએ આવીને એક્‍ઝિબિટર્સને મોટા પ્રમાણમાં બલ્‍ક ઓર્ડર્સ આપ્‍યા હતા. પ્રત્‍યેક પ્રદર્શકને ૨૫,૦૦૦થી ૫૦,૦૦૦ પીસ સુધીના ઓર્ડર મળ્‍યા હતા. આ ઓર્ડર આગામી તહેવારોને ધ્‍યાનમાં રાખીને અપાયા હતા, જેને ધ્‍યાનમાં લેતા દિવાળી સુધીમાં ગુજરાતના ગાર્મેન્‍ટ ઉદ્યોગને લગભગ રૂ.૩,૦૦૦ કરોડનો બિઝનેસની સંભાવના છે.

 

(10:19 AM IST)