<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

કેદારનાથ ધામમાં ચારધામ યાત્રા દરમિયાન કચરાના ડુંગર ખડકાયા: માત્ર ૫ મહિનામાં વિક્રમજનક ૫૦ મેટ્રિક ટન કચરો એકત્ર, પર્યાવરણપ્રેમીઓમાં ભારે ચિંતા

ગત વર્ષોની સરખામણીએ કચરામાં ૧૩૫ ટકા સુધીનો મસમોટો ઉછાળો, આરટીઆઈ (RTI) માં મુંબઈ-ઉત્તરાખંડના યાત્રાધામની ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી

કેદારનાથ: ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રા દરમિયાન દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શનાર્થે પહોંચે છે. પરંતુ આ આસ્થા અને ભક્તિની સાથે હિમાલયની નાજુક ઇકોસિસ્ટમ માટે એક ગંભીર ચિંતાજનક ચિત્ર પણ ઉપસી રહ્યું છે. ચારધામ યાત્રાના માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જ કેદારનાથ ધામમાં વિક્રમજનક કચરો એકત્ર થયો છે. એક આરટીઆઈ (RTI) અરજીના જવાબમાં બહાર આવેલી માહિતી મુજબ, એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૬ વચ્ચે જ કેદારનાથ ધામમાં ૫૦.૩૦ મેટ્રિક ટન જેટલો મસમોટો કચરો એકઠો થયો છે, જેણે સ્થાનિક તંત્ર અને પર્યાવરણવિદોની ઊંઘ ઉડાડી દીધી છે.

 

વિગતોમાં ચોંકાવનારો ખુલાસો

 

ઉત્તર પ્રદેશના આરટીઆઈ કાર્યકર્તા અમિત ગુપ્તા દ્વારા પૂછવામાં આવેલી માહિતીના જવાબમાં કેદારનાથ નગર પંચાયતે આ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. નગર પંચાયતના રેકોર્ડ મુજબ, આ અગાઉ વર્ષ ૨૦૨૩માં આખા વર્ષ દરમિયાન ૩૨.૫૮ મેટ્રિક ટન, વર્ષ ૨૦૨૪માં ૨૬.૧૦ મેટ્રિક ટન અને વર્ષ ૨૦૨૫માં ૨૧.૪૦ મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થયો હતો. તેની સરખામણીએ, ચાલુ વર્ષ ૨૦૨૬ના માત્ર એપ્રિલથી ઓગસ્ટ સુધીના પાંચ મહિનામાં જ ૫૦.૩૦ મેટ્રિક ટન કચરો ખડકાઈ ગયો છે, જે ગયા વર્ષના કુલ કચરા કરતાં આશરે ૧૩૫ ટકા જેટલો વધુ છે!

 

મે મહિનામાં સૌથી વધુ કચરો નોંધાયો

 

મહિનાવાર આંકડાઓ પર નજર કરીએ તો, યાત્રાની શરૂઆતમાં એપ્રિલ મહિનામાં ૧.૭ મેટ્રિક ટન કચરો ભેગો થયો હતો, પરંતુ મે મહિનામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટતાં આ આંકડો સીધો ઉછળીને ૧૬.૩ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ જૂનમાં ૧૧.૫ મેટ્રિક ટન, જુલાઈમાં ૧૦.૫ મેટ્રિક ટન અને ઓગસ્ટમાં ૧૦.૩ મેટ્રિક ટન કચરો એકત્ર થયો હતો.

 

૨૦ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરાનો પડકાર

 

આરટીઆઈના જવાબમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે પણ ચિંતાજનક આંકડા આપ્યા છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં કેદારનાથ વિસ્તારમાંથી ૨૦ મેટ્રિક ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો નીકળ્યો છે. નગર પંચાયતે સ્પષ્ટતા કરી છે કે આમાંથી ૧૮.૫ મેટ્રિક ટન પ્લાસ્ટિક પ્રોસેસ (રીસાઇકલ) કરી દેવાયું છે, જ્યારે ૧.૫ મેટ્રિક ટન પ્લાસ્ટિક પર પ્રોસેસ કરવાનું હજુ બાકી છે. હિમાલયની પવિત્રતા અને સુંદરતા જાળવવા માટે યાત્રિકોમાં જાગૃતિ લાવવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે.

 

(6:38 PM IST)