<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

અમેરિકાની ધરતી પર 'કિંગ'ની સુરક્ષામાં ગાબડું: યુએસ સુરક્ષા પરથી બ્રિટનનો ભરોસો ઉઠ્યો : લંડનથી સ્પેશિયલ ફોર્સિસ વોશિંગ્ટન દોડી

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની હાજરીમાં થયેલા ગોળીબાર બાદ કિંગ ચાર્લ્સની સુરક્ષા માટે બ્રિટનનો અભૂતપૂર્વ નિર્ણય: નાટો સાથી દેશો વચ્ચેના ઈતિહાસમાં પ્રથમવાર બ્રિટિશ સૈનિકો અમેરિકામાં કિંગનો સુરક્ષા કવચ સંભાળશે

વોશિંગ્ટન: અમેરિકાના સૌથી સુરક્ષિત ગણાતા વ્હાઇટ હાઉસમાં જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ટોચના મંત્રીઓની હાજરીમાં પત્રકારો માટેના ડિનર દરમિયાન ગોળીબાર થયો, ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. આ ઘટનાએ અમેરિકાની વર્લ્ડ ક્લાસ ગણાતી સિક્રેટ સર્વિસની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે. પરિણામે, હાલમાં અમેરિકાના પ્રવાસે આવેલા બ્રિટિશ રાજા કિંગ ચાર્લ્સ III ની સુરક્ષાને લઈને લંડનમાં હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. બ્રિટને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેને હવે અમેરિકી સુરક્ષા વ્યવસ્થા પર લેશમાત્ર વિશ્વાસ નથી, તેથી કિંગની સુરક્ષા સુનિશ્ચિત કરવા લંડનથી વધારાના સશસ્ત્ર સૈનિકોને તાત્કાલિક વોશિંગ્ટન મોકલવાનો ઐતિહાસિક અને આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે બ્રિટન અને ટ્રમ્પ વહીવટીતંત્ર વચ્ચેના સંબંધો પહેલેથી જ તણાવપૂર્ણ છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે કિંગ ચાર્લ્સની હિંમતના વખાણ કર્યા છે કે તેમણે આ હુમલા બાદ પણ પોતાનો પ્રવાસ રદ ન કર્યો. તેમ છતાં, જોખમ ટાળવા માટે યુએસ વહીવટીતંત્રે કિંગના ઘણા જાહેર કાર્યક્રમો ગુપ્ત રીતે રદ કરી દીધા છે. સામાન્ય રીતે જ્યારે કોઈ નાટો દેશના વડા અમેરિકા જાય ત્યારે તેમની સાથે માત્ર ગણ્યાગાંઠ્યા અંગત સુરક્ષા ગાર્ડ હોય છે, પરંતુ વોશિંગ્ટનની ધરતી પર બ્રિટિશ સૈનિકોની તૈનાતી એ અમેરિકા માટે એક મોટો રાજદ્વારી આંચકો અને અપમાનજનક સ્થિતિ માનવામાં આવી રહી છે.

વોશિંગ્ટનમાં બ્રિટિશ રાજદૂતે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે કિંગની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં અને લંડનથી આવેલા વિશેષ કમાન્ડો હવે તેમના પ્રવાસના દરેક પગલા પર બાજ નજર રાખશે. વ્હાઇટ હાઉસના કાર્યક્રમમાં થયેલા ગોળીબારમાં ભલે કોઈ મોટી જાનહાનિ ન થઈ હોય, પરંતુ જે રીતે હુમલાખોર રાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવોની આટલી નજીક પહોંચી ગયો, તેણે બ્રિટનને આકરા પગલાં લેવા મજબૂર કર્યું છે. અત્યારે સમગ્ર વોશિંગ્ટન એક અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે, જ્યાં અમેરિકી એજન્ટો અને બ્રિટિશ સૈનિકો ખભેખભા મિલાવીને કિંગ ચાર્લ્સની સુરક્ષા કરી રહ્યા છે.

(8:56 PM IST)