News of Sunday, 3rd May 2026
બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું કે સત્તા પરિવર્તન? ફલોદી સટ્ટા બજારની આગાહીએ રાજકીય ગરમાવો વધાર્યો: પાંચ રાજ્યોના ભાવિ પર ખેલાયો કરોડોનો દાવ
પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી પર બજારનો ભરોસો વધતા મમતા બેનર્જી માટે ખતરાની ઘંટડી: આસામમાં એનડીએનો દબદબો અને કેરળમાં યુડીએફના પુનરાગમનના સંકેતો સાથે 4 મેના પરિણામો પહેલા સટ્ટાખોરોમાં ભારે ઉત્તેજના

ફલોદી :પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોના ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારના આંકડાઓએ દેશભરમાં હલચલ મચાવી દીધી છે. બંગાળમાં આ વખતે કાંટાની ટક્કર વચ્ચે સટ્ટા બજાર સત્તા પરિવર્તનના સંકેત આપી રહ્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ, મમતા બેનર્જીના બદલે સુવેન્દુ અધિકારીના નેતૃત્વ પર બજાર વધુ દાવ લગાવી રહ્યું હોય તેવું જણાય છે. સટ્ટા બજારના ગણિત મુજબ, ભાજપ પર લગાવવામાં આવેલું રોકાણ મજબૂત વળતરના સંકેતો આપી રહ્યું છે, જે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ માટે કપરા ચઢાણ હોવાનું સૂચવે છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં પણ મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળનું ડીએમકે પોતાની લીડ જાળવી રાખીને સત્તામાં વાપસી કરે તેવા સ્પષ્ટ અંદાજો છે. બીજી તરફ, કેરળમાં પરંપરાગત રીતે સત્તા પરિવર્તનનો પ્રવાહ ચાલુ રહેતા આ વખતે યુડીએફના પુનરાગમનની શક્યતા ફલોદીના બજારમાં પ્રબળ બની છે. આસામમાં હિમંત બિસ્વા શર્માના નેતૃત્વમાં એનડીએ ફરી એકવાર સ્પષ્ટ બહુમતી સાથે કમબેક કરશે તેવું જોખમ સટ્ટાખોરો ઉઠાવી રહ્યા છે, જ્યારે પુડુચેરીમાં જંગ અત્યંત રસાકસીભર્યો રહેવાની વકી છે.
ચૂંટણીના આંકડાકીય જંગમાં પુડુચેરીમાં વિજય દળ (TVK) કિંગમેકરની ભૂમિકામાં આવે તેવા વળાંકોની પણ ચર્ચા થઈ રહી છે. જોકે, સટ્ટા બજારના આ અંદાજો માત્ર ગણતરીઓ પર આધારિત છે અને અંતિમ ચિત્ર 4 મેના રોજ મત ગણતરી બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર દેશની નજર અત્યારે બંગાળ પર ટકેલી છે કે શું મમતા બેનર્જી પોતાનો ગઢ બચાવી શકશે કે પછી ફલોદીની આગાહી સાચી ઠરશે અને બંગાળને નવો તાજ મળશે. રાજકીય પંડિતો અને સટ્ટા બજારના ખેલાડીઓ વચ્ચે હવે માત્ર પરિણામોના સત્તાવાર એલાનની જ રાહ જોવામાં આવી રહી છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
