તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ગંગા દશેરા પર કાળમુખો અકસ્માત : બદાયૂં-બરેલીમાં સ્નાન કરતી વખતે ૩૧ શ્રદ્ધાળુઓ ડૂબ્યા : ૭ ના કમકમાટીભર્યા મોત
વહીવટી તંત્રની કડક ચેતવણી અને પ્રતિબંધો છતાં ઊંડા પાણીમાં ઉતરેલા ભક્તો વમળમાં ફસાયા

બદાયૂં: ગંગા દશેરાના પવિત્ર પર્વ પર ઉત્તર પ્રદેશના બદાયૂં અને બરેલી જિલ્લામાં એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. ગંગા અને બાહગુલ નદીના જુદા જુદા ઘાટ પર સ્નાન કરવા ઉતરેલા કુલ ૩૧ શ્રદ્ધાળુઓ નદીના તેજ પ્રવાહ અને વમળમાં ડૂબી ગયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં ૭ લોકોના ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક ૧૦ વર્ષની બાળકી શિખા હજુ પણ પાણીમાં ગુમ છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ રાય અને એસએસપી અંકિતા શર્મા કાફલા સાથે ઘાટ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરાવી હતી.
આ અકસ્માત મુખ્ય ઘાટોથી દૂર આવેલા એકાંત સ્થળોએ સર્જાયો હતો, જ્યાં શ્રદ્ધાળુઓ પ્રશાસનની નજર ચૂકવીને ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. કાચલા ઘાટ પાસે હાથરસથી આવેલા એક જ પરિવારના છ લોકો ડૂબવા લાગ્યા હતા, જેમાં ડાઇવર્સે તત્કાલીન દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને ત્રણ લોકોને બચાવી લીધા હતા, પરંતુ સાંજે બે સગા ભાઈ-ભાંડુના મૃતદેહ મળી આવ્યા હતા. આવી જ રીતે સિરસા ડાબરાઈ, અટ્ટી અને ફર્રુખાબાદ ઘાટ પર પણ વમળમાં ફસાવાને કારણે અન્ય યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે બરેલીમાં એક બાળકને બચાવવા જતાં અન્ય એક યુવક પણ નદીમાં ગરકાવ થઈ ગયો હતો.
બીજી તરફ, નદીના જુદા જુદા કિનારે સ્થાનિક હોડી ચલાવનારાઓ અને સરકારી ડાઇવર્સે ભારે જહેમત ઉઠાવીને ૨૩ શ્રદ્ધાળુઓને પાણીમાંથી જીવતા બહાર કાઢી લીધા હતા. આ બચેલા લોકોમાં મુરાદાબાદ, રાજસ્થાન અને એટાહ જિલ્લાના પ્રવાસીઓ સામેલ છે, જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. પ્રશાસને મોડી સાંજ સુધી ગુમ થયેલી બાળકી માટે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું અને તમામ ભક્તોને નદીના પ્રતિબંધિત અને અજાણ્યા વિસ્તારોમાં ન જવા માટે કડક અપીલ કરી છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
