News of Sunday, 19th July 2026
લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ: રાજસ્થાનના કોટામાં મંદિરોમાં નકલી લગ્ન કરાવી દુલ્હનો દાગીના-રોકડ લઈને રફુચક્કર થઈ જતી!
અપરિણીત અને મોટી ઉંમરના પુરુષોને ફસાવી લાખો રૂપિયા પડાવતી આંતરરાજ્ય 'લૂંટારી દુલ્હન' ગેંગના ૮ સાગરીતોને પોલીસે દબોચી લીધા

કોટા : લગ્ન કરવા માટે ઉત્સુક અપરિણીત અને મોટી ઉંમરના પુરુષોને લલચાવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી એક કુખ્યાત આંતરરાજ્ય 'લૂંટારી દુલ્હન' ગેંગનો કોટા જિલ્લાની રામગંજ મંડી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ગેંગના ૮ સભ્યોની ધરપકડ કરી છે, જેઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બિહાર જેવા અનેક રાજ્યોમાં પોતાનું જાળું ફેલાવીને બેઠા હતા. આ શાતિર ટોળકી પહેલા મંદિરોમાં લગ્નનું નાટક રચતી હતી અને લગ્નના માંડ બે દિવસમાં નકલી દુલ્હન પોતાના માતા-પિતાની બીમારીનું ખોટું બહાનું આગળ ધરીને ઘરેણાં તેમજ રોકડ રકમ સમેટીને ભાગી છૂટતી હતી.
પોલીસ અધિક્ષક (SP) સુજીત શંકરે આ ગુનાહિત નેટવર્કનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આ ગેંગના એજન્ટો કન્યાની શોધમાં ભટકતા પુરુષોનો સંપર્ક કરીને યુવતીઓના ફોટા બતાવતા હતા. ત્યારબાદ ઝારખંડથી મહિલાઓને લાવીને મંદિરોમાં નકલી લગ્ન કરાવાતા હતા. લગ્નની વિધિ અને કન્યા પક્ષના ખર્ચના નામે પીડિત પુરુષો પાસેથી ૧ થી ૨ લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. ચોંકાવનારી બાબત એ છે કે લગ્નના મંડપમાં બેસનારી આ મહિલાઓ અગાઉથી જ પરિણીત હોવા છતાં કુમારી હોવાનો ઢોંગ કરીને નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવતી હતી.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ તાજેતરમાં નોંધાયેલી બે અલગ-અલગ ફરિયાદોના આધારે થયો છે. ગત ૧૩ જુલાઈના રોજ સાંદપુરાના રહેવાસી દિનેશ કુમારે અને ત્યારબાદ ૧૬ જુલાઈના રોજ હિરિયાખેડીના રહેવાસી દિલીપ સિંહે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બંને પીડિતોએ આ ગેંગ પર લગ્નનું ખોટું વચન આપીને લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. મામલાની ગંભીરતાને જોઈને એસપી દ્વારા એક ખાસ પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી, જેણે આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવીને આ ટોળકીના આઠેય સાગરીતોને ઝડપી લીધા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગે અગાઉ પણ અનેક વિસ્તારોમાં આ જ મોડસ ઓપરેન્ડીથી કરોડો રૂપિયાની લૂંટ ચલાવી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે ગેંગની સભ્ય પૂજાએ મધ્યપ્રદેશના સુરેશ પાટીદાર પાસેથી ૧ લાખ રૂપિયા, અંજલિએ ઝાલાવાડના દીપક મીણા પાસેથી ૧ લાખ રૂપિયા, શિવાનીએ આસનવરના ટિંકુ સિંહ પાસેથી ૧.૧૦ લાખ રૂપિયા, પિંકીએ અકલેરાના સત્યનારાયણ પાસેથી ૧.૫૦ લાખ રૂપિયા અને સુનિતા મુખર્જી નામની મહિલાએ બુંદીના ધનરાજ પાસેથી ૧.૧૦ લાખ રૂપિયા લગ્નના નામે પડાવ્યા હતા.
હાલમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓની પોલીસ કસ્ટડીમાં કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને દ્રઢ શંકા છે કે આ ગેંગે દેશના અન્ય રાજ્યોમાં પણ અનેક ભોળા પુરુષોને પોતાની જાળમાં ફસાવીને આર્થિક રીતે કંગાળ કરી દીધા છે. પોલીસની ટીમો અત્યારે આ ટોળકીના બેંક ખાતાઓની વિગતો અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય સ્થાનિક એજન્ટોને શોધવા માટે સમગ્ર નેટવર્કની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
