<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

યુટ્યુબ પરથી સાયબર ગુનાની ટ્રેનિંગ લઈ આઈફોનથી UPI હાઈજેક કરતી ગેંગનો પર્દાફાશ: ફોટા પાડવાના બહાને સિમ બદલી લાખો રૂપિયા તારવ્યા, નેપાળના કેસિનોમાં મની લોન્ડરિંગ

યુપી પોલીસના 'સાય-વજ્ર' અભિયાન હેઠળ બલરામપુરમાં મોટી કાર્યવાહી: સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદી સાયબર છેતરપિંડી આચરતા ત્રણ આરોપીઓની રોકડ અને આઈફોન સાથે ધરપકડ.

બલરામપુર:  ઉત્તર પ્રદેશના બલરામપુરમાંથી સાયબર ક્રાઈમની એક અત્યંત ચોંકાવનારી અને શાતિર મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી છે. યુટ્યુબ પરથી સાયબર ફ્રોડની વાસ્તવિક પદ્ધતિઓ શીખીને આઈફોન (iPhone) ને હથિયાર બનાવતી એક શાતિર ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સામાન્ય લોકોને ફોટા પાડવાના કે પરિચિતો સાથે વાત કરવાના બહાને મોબાઇલ ફોન માંગીને ગુપ્ત રીતે સિમ કાર્ડ કાઢી લેતી હતી. ત્યારબાદ તે સિમ પોતાના આઈફોનમાં નાખી UPI એકાઉન્ટ હાઈજેક કરી લાખો રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી લેતી હતી.

યુપી પોલીસના "સાય-વજ્ર" અભિયાન અંતર્ગત બલરામપુર પોલીસ અને સાયબર સેલે સંયુક્ત કામગીરી કરીને આ ગેંગના મુખ્ય સૂત્રધાર સન્ની ચૌરસિયા સહિત બે સગીર વયના સહ-આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ પીડિતના ફોનમાંથી સિમ કાઢી પોતાના આઈફોનમાં નાખી નવો UPI પાસકોડ બનાવી લેતા હતા. બાદમાં સિમ પાછું મૂળ ફોનમાં નાખી દેતા, જેથી પીડિતને શંકા ન જાય પરંતુ UPI નો સંપૂર્ણ કંટ્રોલ આઈફોનમાં રહી જતો હતો. આરોપીઓએ ૨૮ મેના રોજ ₹૯૫,૦૦૦ અને ૩ જુલાઈના રોજ ₹૧,૦૦૦,૦૦૦ ની ઓનલાઈન છેતરપિંડી આચરી હતી.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે છેતરપિંડી દ્વારા મેળવેલા કાળા નાણાં ધોળા (મની લોન્ડરિંગ) કરવા માટે આ ગેંગ નેપાળના ચંદ્રૌતા સ્થિત કેસિનોમાં જતી હતી. ત્યાં ઓનલાઈન પેમેન્ટ કરીને બદલામાં રોકડ રકમ મેળવી લેતી હતી, જેથી બેંક રેકોર્ડમાં આ વ્યવહારો સામાન્ય શોપિંગ કે ચુકવણી તરીકે જ દેખાય. પોલીસે આરોપીઓ પાસેથી ૩ આઈફોન, ૧ એન્ડ્રોઈડ ફોન અને ₹૨૪,૦૦૦ રોકડા જપ્ત કર્યા છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તેઓ ગુનો આચર્યા બાદ આઈફોન સ્થાનિક દુકાનોમાં વેચી પુરાવાનો નાશ કરતા હતા અને નવો આઈફોન ખરીદી ફરી નવી છેતરપિંડી આચરતા હતા.

(8:11 PM IST)