News of Wednesday, 2nd September 2026
ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ભેંસ ચોરતી ટોળકી ઝડપાઈ
૩ રાજ્યોમાંથી ૧૨૦ ભેંસ ચોરી લીધી, ૨ કરોડનો ખેલ પાડી દીધો

ચિતોડગઢ તા.૨: રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લાના નિકુંભ પોલીસે ત્રણ રાજ્યોમાં આતંક મચાવનારી એક આંતરરાજ્ય ભેંસ ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ટોળકીના સરગણા મધ્ય પ્રદેશના મુલ્તાનપુર મંદસોરના રહેવાસી આરિફ કાલિયા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં થયેલી ભેંસ ચોરીની લગભગ ૪૦ ઘટનાઓનો ખુલાસો થયો છે. આ ઘટનામાં ૧૨૦ ભેંસો ચોરાઈ હતી. ચોરાયેલી ભેંસોની કિમત લગભગ ૨ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે આરોપીઓના કબજામાંથી ઘટના સમયે ઉપયોગમાં લેવાયેલી પિકઅપ ગાડી અને મોટરસાયકલ પણ જપ્ત કરી છે.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ છેલ્લા બે વર્ષથી સંગઠિત થઈને આયોજનબદ્ધ રીતે ઘટનાને અંજામ આપી રહ્યા હતા. મુલ્તાનપુરથી ટોળકીના બે સભ્યો બાઈક પર નીકળતા હતા અને રેકી કરી રાતના ૯થી ૧૦ વાગ્યાની વચ્ચે ચોરીની જગ્યા પસંદ કરતા હતા. ત્યાર બાદ પાછળ આવી રહેલી પિકઅપને લોકેશન મોકલતા હતા. પિકઅપ ડ્રાઈવર ખાડા કે ઢાળમાં વાહન સેટ કરી ત્રણ-ચાર ભેંસને એક સાથે લોડ કરતા હતા. પાછા ફરતા પિકઅપમાં ખાલી ડ્રાઈવર રહેતો હતો, જ્યારે બાકીના ત્રણ સભ્ય બાઈકથી સુરક્ષા માટે સાથે સાથે ચાલતા. ચોરી કરેલી ભેંસ મંદસોર જિલ્લાના ધુંદડકા ગામમાં દર રવિવારે ભરાતા પશુ મેળામાં જઈને વેચી દેતા અને પૈસા અંદરોઅંદર વહેંચી લેતા હતા.
આ ગેંગના હતા મુખ્ય ઠેકાણાઃ આ ગેંગ રાજસ્થાનના ચિતોડગઢ, વિજયનગર, ભોપાલસાગર, કપાસન, મંગલવાડ, ભાદસોડા, નિમ્બાહેડા, બેંગૂ, ચંદેરિયા, ભીલવાડા, માંડલ, કોટડી, ઉદયપુર, ખેરોદા, ભિડર, ફતેહનગર, બાંસવાડા, પ્રતાપગઢ, ડુંગરપુર, જાલોર અને પાલીમાંથી ભેંસ ચોરતા હતા. વળી ચોરોએ મધ્ય પ્રદેશના ઉજ્જૈન, મંદસૌર, નીમચ, રતલામ, આલોટ, પિપલિયા મંડી અને ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને ગોધરા વિસ્તારમાંથી ભેંસ ચોરી હોવાની કબૂલાત કરી હતી. ગેંગના લોકો ભેંસ ચોરી કરવા માટે નંબર પ્લેટ વિનાની પિકઅપ ગાડીનો ઉપયોગ કરતા અને તેનો ડ્રાઈવર મોં પર કપડું બાંધી લેતો.
૨૮ જૂલાઈના રોજ નિકુંભના ગરદાના ગામમાંથી ૫ ભેંસો ચોરી થઈ હતી. પોલીસ અધીક્ષક ધર્મેન્દ્ર સિહ યાદવના નિર્દેશ પર એએસપી ગજેન્દ્ર સિહ જોધા અને ડીએસપી હરીશ ચંદ્ર સિહ ચુડાવતે સુપરવિઝનમાં નિકુંભ ઈન્ચાર્જ પ્રભુ સિહ ચુડાવતની ટીમ બનાવી. પોલીસની ટીમે પુરાવા અને ગુપ્તચર પાસેથી મળેલી માહિતીના આધારે આરોપીઓના રૂટ ટ્રેક કરી મંદસૌર સુધી પહોંચી ગઈ. આ તપાસ દરમ્યાન ગત ૩૧ જૂલાઈ ૨૦૨૬ની રાતે આરોપીઓના ઠેકાણા પર જાળ પાથરી, પણ સવારે લગભગ ૩.૩૦ કલાકે નિમ્બાહેડા-મંગલવાડ રોડ પર ધીનવા નજીક પોલીસની ગાડી એક ટ્રેલર સાથે અથડાઈ ગઈ.
આ દુર્ઘટનામાં પોલીસ ટીમના બે જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમ છતાં ટીમે હાર ન માની. પોલીસે ફરી વાર જાળ પાથરી આરોપીઓના ઈરાદાને પારખી લેતા માલનખેડી નજીક ઘેરાવ કરી દબોચી લીધા. હાલમાં પોલીસ આરોપીઓ સાથે પૂછપરછ કરી અન્ય સાથીઓને શોધી રહી છે
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
