તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
મુંબઈમાં ગણેશોત્સવ ટાણે કરુણ હોનારત: પંડાલ બહાર કરંટ લાગતા આઠ વર્ષની બાળકી સહિત બેનાં મોત
લાલબાગના કાલાચૌકી વિસ્તારમાં ભક્તોની ભીડ વચ્ચે વીજપ્રવાહ ફેલાતા અરેરાટી વ્યાપી ગઈ છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત

મુંબઈ : મુંબઈના પ્રખ્યાત લાલબાગ વિસ્તારમાં ગણેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી ચાલી રહી હતી તે ટાણે રવિવારે વહેલી સવારે ૨:૨૦ વાગ્યે કાલાચૌકીના દત્તારામ લાડ માર્ગ પર આવેલા સાર્વજનિક ઉત્સવ મંડળના પંડાલ નજીક અચાનક વીજપ્રવાહ ફેલાવાથી સર્જાયેલી કરુણ દુર્ઘટનામાં ૮ વર્ષની બાળકી સહિત બે લોકોનાં મોત નીપજ્યાં છે અને અનેક ભક્તો ઈજાગ્રસ્ત થયા છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ, બેસ્ટ (BEST) અને મહાનગરપાલિકાની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાકીદે રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક વિગતો મુજબ રવિવારે વહેલી સવારે ભક્તોની ભારે ભીડ પંડાલ બહાર મોજૂદ હતી ત્યારે અચાનક વીજપ્રવાહ ફેલાતા કેટલાક લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા, જેમાંથી ૮ વર્ષની રાઘની ઘનશ્યામ યાદવને ગંભીર હાલતમાં મસીના હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી, જ્યારે ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક અજાણી મહિલાનું પણ બાદમાં મૃત્યુ નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં કિરણ અકબર નાઈક, તન્વી નરેશ હાંડે, સાહિલ સંદીપ તારે અને રૂહી સિંહ સહિતના અન્ય યુવાનો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
ઘટના બાદ મૃત બાળકીના પરિવારજનોએ પંડાલની આસપાસની લાઇટિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ ભારે ભીડના કારણે દર્શન કર્યા વગર જ પરત ફરી રહ્યા હતા ત્યારે આ આફત ત્રાકી હતી. હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમો દ્વારા પંડાલ અને આસપાસના વિસ્તારની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે જેથી વીજપ્રવાહ કયા કારણોસર ફેલાયો અને તેની પાછળ કોની બેદરકારી છે તેની સાચી હકીકત બહાર આવી શકે.
આ આકસ્મિક હોનારતના પગલે સમગ્ર ગણેશોત્સવના માહોલમાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી કરીને યોગ્ય કડક પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
