<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ગણેશોત્સવ 2026: સાંસદ ડૉ. હેમંત સવારાના કડક વલણ સામે ઝૂકી મહાનગરપાલિકા; વિસર્જન માટે રો-રો જેટી સહિત ખાસ સુવિધાઓની જાહેરાત

વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન (VVCMC) દ્વારા ગણેશ મંડળો માટે આપત્તિ વ્યવસ્થાપન કાર્યાલય અને ટોલ-ફ્રી નંબર શરૂ; મોટો ગણેશજીની મૂર્તિઓના સુરક્ષિત વિસર્જન માટે રો-રો સુવિધા સજ્જ કરાઈ

પાલઘર, તા. ૦૯: આગામી પવિત્ર ગણેશોત્સવ પૂર્વે પાલઘર લોકસભા વિસ્તારના સાંસદ ડૉ. હેમંત વિષ્ણુ સવારાના સતત પ્રયાસો અને રજૂઆતોને મોટી સફળતા સાંપડી છે. વસઈ-વિરાર વિસ્તારના ગણેશ મંડળો અને શ્રદ્ધાળુઓને વિસર્જન દરમિયાન પડતી ભારે મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાંસદ દ્વારા કરાયેલી રજૂઆતો બાદ વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (VVCMC) હરકતમાં આવ્યું છે અને મંડળો માટે અભૂતપૂર્વ સુવિધાઓની સત્તાવાર જાહેરાત કરી છે.

સાંસદના પત્ર બાદ તંત્ર દોડતું થયું:

ગત ૫ સપ્ટેમ્બરના રોજ સાંસદ ડૉ. હેમંત સવારાએ મહાનગરપાલિકા કમિશનરને એક કડક પત્ર લખીને ઉત્સવ દરમિયાન ગણેશ મંડળોને મંડપ પરમિશન, ટ્રાફિક અને વિસર્જન માટે સગવડ પૂરી પાડવા વહીવટી પગલાં લેવા તાકીદ કરી હતી. આ વિનંતીને સ્વીકારીને મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે એક વિશેષ ‘આપત્તિ વ્યવસ્થાપન કાર્યાલય’ની સ્થાપના કરી છે. આ ઉપરાંત મંડળો અને નાગરિકોની ફરિયાદો તેમજ તાત્કાલિક સહાય માટે બે ટોલ-ફ્રી નંબર (૧૮૦૦૨૬૭૩૮૯૮ અને ૧૮૦૦૨૩૩૪૩૫૩) પણ જાહેર કરવામાં આવ્યા છે.

મોટી મૂર્તિઓ માટે રો-રો (Ro-Ro) જેટીની ખાસ વ્યવસ્થા:

ગણેશોત્સવ દરમિયાન સૌથી મોટો પડકાર મોટી ગણેશ મૂર્તિઓના વિસર્જનનો હોય છે. સાંસદ ડૉ. સવારાની મુખ્ય માગણીને સ્વીકારીને પાલિકાએ મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ અને સ્થળ પરની પોલીસ સાથે સંકલન સાધીને ખાસ રોલ-ઓન/રોલ-ઓફ (રો-રો) જેટી સુવિધાને મંજૂરી આપી દીધી છે. આ વ્યવસ્થાથી મોટી મૂર્તિઓનું દરિયા કે ખાડીમાં અત્યંત સુરક્ષિત અને સન્માનપૂર્વક વિસર્જન શક્ય બનશે.

નોડલ અધિકારીઓની તૈનાતીથી ભીડ અને ટ્રાફિક નિયંત્રિત થશે:

ઉત્સવ દરમિયાન મંડળોને પડતી મુશ્કેલીઓના ત્વરિત ઉકેલ માટે વિસર્જન સ્થળો પર ખાસ નોડલ અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાના આ ત્વરિત પગલાંથી વસઈ-વિરાર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાશે અને તમામ ગણેશ મંડળો તથા ભક્તો માટે ગણેશોત્સવ સુરક્ષિત, સુગમ અને આહલાદાયક બની રહેશે.

(5:12 PM IST)