<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

પુણેના પેઠ વિસ્તારોમાં ગણેશોત્સવ દર્શન બનશે સરળ! ૨૪ વર્ષીય આઈટી એન્જિનિયરે બનાવ્યું ફ્રી રૂટ પ્લાનિંગ ટૂલ ‘puneganpati.in’

‘મનાચે પાંચ’ અને દગડુશેઠ ગણપતિના દર્શન માટે નહીં થવું પડે ધક્કામુક્કીનો ભોગ: સમય, ભીડ અને એન્ટ્રી પોઈન્ટ મુજબ મિનિટોમાં તૈયાર થશે દર્શનનો પરફેક્ટ રૂટ

પુણે, તા.૧૭: મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ દરમિયાન પુણેના ભીડભાડથી ભરેલા 'પેઠ' (Peth) વિસ્તારોમાં બાપ્પાના દર્શન કરવા જતા લાખો શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગણેશ મંડળોની મુલાકાત વખતે કઈ ગલીમાં જવું, કયો રૂટ લેવો અને કયા ક્રમમાં દર્શન કરવા તે ગૂંચવણ દૂર કરવા માટે પુણેના ૨૪ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર અમેયા જૈને 'puneganpati.in' નામનું એક અનોખું અને તદ્દન મફત રૂટ-પ્લાનિંગ ટૂલ તૈયાર કર્યું છે. આ ડિજિટલ પ્લેટફોર્મ ભક્તોને તેમની પાસે ઉપલબ્ધ સમય અને પસંદગી અનુસાર ગણેશ દર્શનનું સચોટ આયોજન કરવામાં મદદ કરે છે.

 

આ પ્લેટફોર્મ ખાસ કરીને કસબા પેઠ, બુધવાર પેઠ, સદાશિવ પેઠ, નારાયણ પેઠ અને શુક્રવાર પેઠના મુખ્ય જાહેર ગણેશ મંડળો જેવા કે ‘મનાચે પાંચ’, દગડુશેઠ હલવાઈ અને તુલસીબાગ ગણપતિને આવરી લે છે. વપરાશકર્તાઓ ૧.૫ કલાકથી લઈને ૮ કલાક સુધીનો પોતાનો સમય અને દર્શનની શૈલી (લાઇવ સેટ્સ, પરંપરાગત મંડળો કે રોશની) પસંદ કરી શકે છે. જેના આધારે આ સિસ્ટમ એવો શ્રેષ્ઠ રૂટ તૈયાર કરે છે જેથી ભક્તોને ભીડ વચ્ચે બિનજરૂરી ચાલવું ન પડે અને પાછા ફરવાનો (backtracking) સમય બચે.

 

સોફ્ટવેર એન્જિનિયર અમેયા જૈને જણાવ્યું કે, તેમણે ગયા વર્ષે ભક્તોને પેઠ વિસ્તારોની સાંકડી ગલીઓમાં મંડળો શોધવા માટે સંઘર્ષ કરતા જોઈને આ ટૂલ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ વેબસાઈટ ભીડને ધ્યાનમાં રાખીને ચાલવાનો સમય, દગડુશેઠ જેવા મંડળોમાં લાઈનમાં ઊભા રહેવાનો સમય અથવા બહારથી ‘મુખ દર્શન’ કરવાનો અંદાજિત સમય ગણે છે. આ સિવાય, આ ટૂલમાં લોગ-ઈન કર્યા વગર જ વોટ્સએપ પર પરિવાર સાથે 'રૂટ શૅર' કરવાની અને દર્શનની પ્રગતિ ટ્રેક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ૪,૧૦૦થી વધુ ભક્તો આ ફ્રી ટૂલનો ઉપયોગ કરી ચૂક્યા છે.

(5:00 PM IST)