<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' અભિયાનના પ્રભારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને અભૂતપૂર્વ સફળતા અપાવનાર તમામ કાર્યકરો, સંસ્થાઓ અને નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા અમિતભાઈ શાહ:સવા કરોડ વૃક્ષો વાવવાથી અભિયાન પૂરું નથી થયું, પરંતુ શરૂ થયું છે: અમિતભાઈ શાહ:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિકતબહી પાસેથી પ્રેરણા મેળવીને આપણે સૌએ જીદ પકડીને વૃક્ષો ઉછેરવાનાં છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી તથા અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનના પ્રભારીઓની સમીક્ષા બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ પણ સહભાગી થયા હતા.
    અત્રે નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરિત થઈને ગાંધીનગર લોકસભા મતક્ષેત્રને હરિયાળી લોકસભા બનાવવાના દૃઢ સંકલ્પ સાથે તાજેતરમાં એક ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેને ગિનેશ બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મળ્યું હતું. આ અભિયાન અંતર્ગત થયેલા કાર્યોની સમીક્ષા કરવા અને આગામી આયોજન માટે ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અમદાવાદ સ્થિત સરદાર સ્મારક ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
  આ બેઠકમાં અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભાને હરિયાળી અને પર્યાવરણયુક્ત બનાવવાના આ સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને અભૂતપૂર્વ સફળતા અપાવનાર તમામ કાર્યકરો, સંસ્થાઓ અને નાગરિકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. બેઠક દરમિયાન અત્યાર સુધી થયેલી વૃક્ષારોપણની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. આ સામૂહિક વૃક્ષારોપણ અંતર્ગત રોપવામાં આવેલા તમામ છોડનું યોગ્ય જતન અને માવજત થાય તેમજ ૧૦૦% વૃક્ષો સંપૂર્ણપણે ઉછરીને ઘટાદાર બને તે માટે સુઆયોજિત પ્રયાસો કરવા જરૂરી છે તેવું શાહે ઉમેર્યું હતું.
વૃક્ષારોપણ અભિયાનના પ્રભારીઓને સંબોધતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા' અંતર્ગત વૃક્ષારોપણના મહાઅભિયાનને જન જન સુધી પહોંચાડવા અને સવા કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ સાકાર કરનારા સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જોકે, સવા કરોડ વૃક્ષો વાવવાથી અભિયાન પૂરું નથી થયું, પરંતુ શરૂ થયું છે. આ વૃક્ષોને ઉછેરીને ૫૦થી ૧૦૦ વર્ષ સુધી છાંયો, શુદ્ધ હવા આપે અને તાપમાન ઘટાડે એવા વટવૃક્ષ બનાવવાનાં છે, એવું તેમણે ઉમેર્યું હતું.
 અમિતભાઇ શાહે કાર્યકરોને આ વૃક્ષો ઉછેરવાની કામગીરી પક્ષના એક કાર્યક્રમના ભાગરૂપે નહિ પરંતુ પોતાના ધાર્મિક -સામાજિક કર્તવ્ય તરીકે નિભાવવા અપીલ કરી હતી.

  અમિતભાઇ શાહે મત્સ્ય પુરાણના એક મંત્રનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે એક વાવ બનાવવાથી ૧૦ કૂવા ગાળવા જેટલું પુણ્ય મળે છે, એક તળાવ બનાવો તો ૧૦ વાવ બનાવવા જેટલું પુણ્ય મળે, એક સુપુત્રથી ૧૦ તળાવ બનાવવા જેટલું પુણ્ય મળે જ્યારે એક વૃક્ષ વાવીને ઉછેરવાથી ૧૦ સુપુત્રો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણે જો મત્સ્ય પુરાણની આ વાતને જીવનમાં ઉતારીને વૃક્ષો ઉછેર્યાં હોત તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા પેદા જ ન થઈ હોત, એવું તેમણે ઉમેર્યું હતું.

 અમિતભાઇ શાહે વધુમાં જણાવ્યું હતું કે આપણો પક્ષ માત્ર ચૂંટણી જીતવા માટેનું માળખું નથી. આપણા કાર્યકરો અનેક સેવાભાવી કાર્યો કરતા રહે છે. આપણે દેશભક્તિમાં ઓતપ્રોત થઈને લોકકલ્યાણ કરનારી પાર્ટી છીએ. આપણાં તમામ સેવા કાર્યો સામે આ વૃક્ષો ઉછેરવાના કાર્યનું પલડું ભારે રહેશે. માટે મન દઈને ભાવપૂર્વક આ કાર્ય કરવાનું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી અને સાંસદ અમિતભાઈ શાહે આપણને જે ભાવ સાથે વૃક્ષારોપણનું કામ કરવા જણાવ્યું એને આપણે સૌએ સારી રીતે કરી બતાવ્યું છે, એ પ્રશંસનીય છે. વૃક્ષો વાવવાનું કામ તો થઈ ગયું હવે તેને ઉછેરીને મોટું કરવાની ફરજ પણ આપણે સૌએ નિભાવવાની છે, એવું તેમણે ઉમેર્યું હતું.
 ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમિતભાઈ પાસેથી પ્રેરણા મેળવીને આપણે સૌએ જીદ પકડીને ઝાડ ઉછેરવાનાં છે. આપણે સૌએ અમિતભાઈને આજે વિશ્વાસ અપાવવાનો છે કે વૃક્ષો ઉછેરવાની જવાબદારી પણ આપણે ૧૦૦ ટકા સારી રીતે નિભાવીશું, એવું તેમણે ઉમેર્યું હતું.
વૃક્ષારોપણ માત્ર માનવ માટે જ નહિ દરેક જીવ માટે જરૂરી છે. શ્રી અમિતભાઈ કહે છે તેમ આપણી આવનારી પેઢીના માટે આપણે આ કામગીરી કરવી આવશ્યક છે, એ વાત આપણે સમજીને સંકલ્પબદ્ધ થવા મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું હતું.
આ બેઠકમાં અમદાવાદ શહેરના પ્રમુખ પ્રેરકભાઈ શાહે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડાએ આભાર વિધિ કરી હતી. 
આ બેઠકમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભાના ધારાસભ્યો સર્વ હર્ષદભાઈ પટેલ, અમિત ઠાકર, જિતેન્દ્ર પટેલ, કનુભાઈ પટેલ, સુશ્રી રીટાબહેન પટેલ, લક્ષ્મણજી (બકાજી) ઠાકોર,ગાંધીનગર જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, ગાંધીનગર શહેરના પ્રમુખ આશિષ દવે સહિત આ અભિયાન સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા

(9:21 PM IST)