<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

અંબાજી નજીક ગમખ્વાર અકસ્માત: રાજસ્થાન CMની સુરક્ષામાં રોકાયેલી બસ ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી

બંદોબસ્ત માટે જતી લક્ઝરી બસ પરથી ચાલકે કાબૂ ગુમાવ્યો: ૬ લોકો ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

અંબાજી : રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના અંબાજી પ્રવાસ પૂર્વે સુરક્ષા બંદોબસ્ત માટે જઈ રહેલી એક લક્ઝરી બસ મોડી રાત્રે જાંબુડી નજીક વળાંક પર અનિયંત્રિત બનીને ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે બસમાં માત્ર ૬ જ વ્યક્તિઓ સવાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, જોકે તમામ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

બસમાં સવાર ૬ લોકોમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ૫ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માતની જાણ થતાં જ અંબાજી અને રાજસ્થાન પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે રાજસ્થાન સરકારની ૩ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને સારવાર માટે અંબાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ, આરટીઓ અધિકારીઓ અને પંચાયત સમિતિના સભ્યો દ્વારા સ્થળ પર પહોંચી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી સુરક્ષા વ્યવસ્થાની ચુસ્તતા માટે તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ આ અકસ્માતે સુરક્ષા બંદોબસ્તમાં જોડાયેલા વાહનોની સ્થિતિ અંગે ચિંતા વધારી દીધી છે.

આ ઘટના બાદ હવે પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં ડ્રાઈવરની બેદરકારી કે ટેકનિકલ ખામી છે કે કેમ તે અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. સીએમ ભજનલાલ શર્માના આગમન પૂર્વે બનેલી આ દુર્ઘટનાને પગલે વહીવટી તંત્ર વધુ સાબદું બન્યું છે અને સુરક્ષા વ્યવસ્થાની ફરીથી સમીક્ષા કરવામાં આવી રહી છે.

(10:40 AM IST)