તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
ગજબઃ જમાઈને સરપ્રાઈઝ આપવા મીઠાઈમાં સોનાની વીંટી છુપાવી પણ બિલાડી મીઠાઈ સાથે વીંટી પણ ખાઈ ગઈ
ડોક્ટરે બિલાડીના પેટને ચીરી એ ૫ ગ્રામની સોનાની વીંટી સુરક્ષિત રીતે બહાર કાઢી અને પરિવારને સોંપી દીધી

બીડ,તા.૯: જમાઈને સરપ્રાઈઝ ગિફટ આપવાના ચક્કરમાં એક પરિવાર સાથે જે થયું, તેવી કહાની કદાચ તમે ફિલ્મોમાં પણ જોઈ નહીં હોય. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પરિવારે પોતાના જમાઈના સ્વાગત માટે મીઠાઈ બનાવી અને તેની અંદર ૫ ગ્રામ સોનાની વીંટી મૂકી દીધી. પણ જમાઈના મોઢા સુધી મીઠાઈ પહોંચે તે પહેલા જ આ મીઠાઈ બિલાડી ખાઈ ગઈ અને સાથે વીંટી પણ ખાઈ ગઈ, જે મીઠાઈની અંદર રાખી હતી.
મહારાષ્ટ્રમાં પરંપરાગત રીતે અધિક માસ દરમ્યાન જમાઈને ખાસ દાવત આપવા અને ગિફટ આપવાનો રિવાજ છે. આ પરંપરા અંતર્ગત જમાઈ માટે એક ખાસ મીઠાઈ બનાવવામાં આવે છે જેને ધોંડા કહેવાય છે. તાકરવાન ગામના એક પરિવારે પોતાના જમાઈને સરપ્રાઈઝ આપવા માટે એક અનોખો પ્લાન બનાવ્યો. તેમણે ધોંડાની અંદર ૫ ગ્રામ સોનાની વીંટી છુપાવીને રાખી દીધી, જેથી જમાઈ મીઠાઈ ખાય તો તેમને આ કિમતી ગિફટ મળે.
હજુ તો જમાઈને મીઠાઈ પિરસી પણ નહોતી કે ઘરમાં એક રખડતી બિલાડી ઘૂસી ગઈ. બિલાડીની નજર આ મીઠાઈ પર પડી અને તેણે જરાં પણ મોડું કર્યા વિના મીઠાઈને ઝાપટી ગઈ. પરિવારને ખબર પડી કે બિલાડી મીઠાઈની સાથે સાથે તેની અંદર રાખેલી ૫ ગ્રામ સોનાની કિમતી વીંટી પણ ગળી ગઈ.
વીંટી પાછી મેળવવા માટે પરિવારે એક વ્યાવહારિક રીત અપનાવી. તેમણે આ બિલાડીને પોતાના ઘરમાં કેદ કરી લીધી અને કેટલાય દિવસ સુધી તેની દેખરેખ કરી. ખાવા-પીવાનું આપ્યું. તેમને આશા હતી કે મળ વિસર્જન દરમ્યાન વીંટી બહાર આવી જશે. જ્યારે કેટલાય દિવસ સુધી આવું ન થયું તો બિલાડીની તબિયત ખરાબ થવા લાગી. પરિવાર તેને સારવાર માટે પશુ ચિકિત્સક પાસે લઈ ગયા. ડોક્ટરે બિલાડીની સારવાર કરવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું અને સારવાર દરમ્યાન બિલાડીનું મોત થઈ ગયું.
બિલાડીના મોત બાદ સોનાની વીંટીને કાઢવા માટે રીતસરની એક સર્જિકલ ઓપરેશન કરવું પડ્યું. ડોક્ટરે બિલાડીના પેટને ચીરી એ ૫ ગ્રામની સોનાની વીંટી સુરક્ષિત રીતે બહાર કાઢી અને પરિવારને સોંપી દીધી.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
