News of Wednesday, 13th May 2026
ગડકરીનો 'બસ' પ્રવાસ: PM મોદીની અપીલ બાદ કેન્દ્રીય મંત્રીનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ્સના નિરીક્ષણ માટે સરકારી કાફલામાં 50% નો કાપ!
ઈંધણ બચાવવા અધિકારીઓ અને પત્રકારો સાથે બસમાં સવાર થશે નીતિન ગડકરી; સંત જ્ઞાનેશ્વર અને તુકારામ પાલખી માર્ગની મુલાકાત લેશે, ટ્રાફિક સમસ્યા નિવારવા ઉદાહરણરૂપ પહેલ

મુંબઈ, તા.૧૩: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને સરકારી વિભાગોને ઇંધણનો વપરાશ ઘટાડવા માટે કરેલી ભાવુક અપીલની અસર હવે જમીની સ્તરે દેખાવા લાગી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક પ્રેરણાદાયી નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, તેઓ મહારાષ્ટ્રમાં આગામી ૧૪ અને ૧૫ મેના રોજ યોજાનારા વિવિધ પ્રોજેક્ટ્સના નિરીક્ષણ દરમિયાન પોતાના વૈભવી કાફલાને બદલે બસમાં મુસાફરી કરશે. ગડકરીએ અધિકારીઓને તેમના કાફલાના વાહનોની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો કરવા માટે કડક સૂચના આપી છે.
ઉર્જા સુરક્ષાના હિતમાં ગડકરીનો 'માસ્ટર પ્લાન'
પુણે, સતારા અને સોલાપુરના પોલીસ વિભાગો તેમજ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને લખેલા પત્રમાં નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે, રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષાના હિતમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવો અનિવાર્ય છે. તેઓ ૧૩ અને ૧૪ મેના રોજ પવિત્ર સંત જ્ઞાનેશ્વર મહારાજ અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવાના છે. આ મુસાફરી દરમિયાન ગડકરીની સાથે ઉચ્ચ અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને પત્રકારો પણ એક જ બસમાં મુસાફરી કરશે, જેથી રસ્તા પર વાહનોનું ભારણ ઘટે અને જાહેર જનતાને ટ્રાફિકની સમસ્યા ન નડે.
મહારાષ્ટ્રના નેતાઓમાં 'પબ્લિક ટ્રાન્સપોર્ટ'નો ક્રેઝ
વડાપ્રધાન મોદીની ઇંધણ બચાવવાની સલાહ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રામદાસ આઠવલે અને ભાજપના અનેક ધારાસભ્યોએ પહેલેથી જ જાહેર પરિવહનનો ઉપયોગ શરૂ કરી દીધો છે. રાજ્યના મંત્રી આશિષ શેલારે તો ઉર્જા બચત અને ખર્ચ ઘટાડવા માટે પોતાની 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'ની વિદેશ યાત્રા પણ રદ કરી નાખી છે. બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ આજે સવારે ઇલેક્ટ્રિક વાહન (EV) માં મુસાફરી કરતા જોવા મળ્યા હતા, જે પર્યાવરણ પ્રત્યેની તેમની જાગૃતિ દર્શાવે છે.
જનતા માટે ઉદાહરણરૂપ પહેલ
નીતિન ગડકરીના આ નિર્ણયથી સરકારી તિજોરી પર પડતો ઇંધણનો બોજ તો ઘટશે જ, પણ સાથે સાથે સામાન્ય નાગરિકોમાં પણ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો ઉત્સાહ વધશે. કેન્દ્રીય મંત્રીએ પત્રમાં ઉમેર્યું હતું કે, આ પગલાથી ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો થશે અને સામાન્ય લોકોને રસ્તા પર થતી હાલાકીમાં મોટી રાહત મળશે. ગડકરીની આ 'બસ સવારી' અત્યારે મહારાષ્ટ્રમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
