<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

‘ગાડી ચઢ્ઢા દી મેરે પેર પે...’ ત્વિષા શર્મા હાઈ-પ્રોફાઈલ કેસમાં નવો હંગામો: ભોપાલમાં સાસુના ઘરની બહાર મીડિયા સામે વકીલ લાલઘુમ, કારના બોનેટ પર પછાડ્યા હાથ!

સાસુ ગિરિબાલા સિંહના વિવાદાસ્પદ ઓડિયો લીક બાદ કવરેજ કરવા પહોંચેલા પત્રકારો પર ભભૂક્યો વકીલનો ગુસ્સો: "શું તમે મને મારી નાખવા માંગો છો?" ના નારા સાથે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ભોપાલ, તા.૨૨: ત્વિષા શર્મા હાઈ-પ્રોફાઈલ કેસમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે, ત્યારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક અત્યંત ચોંકાવનારો અને હંગામેદાર કિસ્સો સામે આવ્યો છે. કેસના મુખ્ય આરોપી અને ત્વિષાના સાસુ ગિરિબાલા સિંહના ભોપાલ સ્થિત નિવાસસ્થાનની બહાર પત્રકારો અને તેમના વકીલ એનોશ જ્યોર્જ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. વાત એટલી હદે વધી ગઈ કે વકીલે પત્રકારોની હાજરી વચ્ચે જાહેરમાં પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો અને મીડિયા કર્મીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
વકીલે ગાડીના બોનેટ પર હાથ પછાડ્યા
સામે આવેલા હાઈ-વોલ્ટેજ ડ્રામાના વીડિયોમાં જોઈ શકાય છે કે, વકીલ એનોશ જ્યોર્જ જેવા ગિરિબાલા સિંહના ઘરેથી બહાર નીકળ્યા કે તરત જ મીડિયાના સભ્યોએ તેમને પ્રશ્નો પૂછવા માટે ઘેરી લીધા હતા. આ ભીડભાડ વચ્ચે વકીલની કાર ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે વકીલે અચાનક ભારે હતાશા અને ગુસ્સામાં આવીને પોતાની જ કારના બોનેટ પર જોરજોરથી હાથ પછાડવાનું શરૂ કર્યું હતું. તેમણે બૂમો પાડતા દાવો કર્યો હતો કે પત્રકારોની ધક્કામુક્કીને કારણે કાર તેમના પગ ઉપરથી ફરી ગઈ છે.
"શું તમે મને મારી નાખવા માંગો છો?"
વીડિયોમાં વકીલ એનોશ જ્યોર્જ ગુસ્સાથી ધ્રૂજતા અને રાડો પાડતા સંભળાય છે કે, "ગાડી ચઢ્ઢા દી મેરે જોડી (પેર) પે, અબ ઇસ્કા જવાબ કૌન દેગા? આપ લોગ મારવાના ચાહતે હૈં ક્યા મુઝે?" (મારી ગાડી મારા પગ પર ચઢાવી દીધી, હવે આનો જવાબ કોણ આપશે? શું તમે લોકો મને મારી નાખવા માંગો છો?). વકીલે હંગામો મચાવતા પત્રકારો પાસે તાત્કાલિક માફીની માંગણી કરી હતી અને આ સમગ્ર અકસ્માત જેવી સ્થિતિ માટે મીડિયાની બેજવાબદાર ભીડને જવાબદાર ઠેરવી હતી.
નવો વિવાદાસ્પદ ઓડિયો લીક થતાં ભડકી આગ
વાસ્તવમાં આ સમગ્ર વિવાદ ત્વિષા શર્મા કેસ સાથે જોડાયેલા એક કથિત ઓડિયો રેકોર્ડિંગના પ્રસારણ બાદ શરૂ થયો છે. આ લીક થયેલા ઓડિયોમાં નિવૃત્ત ન્યાયાધીશ ગિરિબાલા સિંહ અને તેમના ભાઈ મેજર હર્ષિત શર્મા વચ્ચે કથિત રીતે વાતચીત થઈ રહી છે. જેમાં લગ્ન પછી ત્વિષાના ભૂતકાળના સંબંધો, તેની પર્સનલ લાઈફ અને તેના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ ઓડિયોમાં ગિરિબાલા સિંહ કથિત રીતે એમ બોલતા સંભળાય છે કે "અશ્લીલતા એક આદત હોઈ શકે છે." આ વિવાદાસ્પદ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને તપાસનો વ્યાપ વધી ગયો છે. આ જ બાબતે સવાલો પૂછવા જ્યારે મીડિયા ગિરિબાલા સિંહના ઘરે પહોંચ્યું ત્યારે વકીલ સાથે થયેલા આ હાઈ-ડ્રામાએ હાઈ-પ્રોફાઈલ કેસના તણાવને સુપ્રીમ લેવલ પર પહોંચાડી દીધો છે.

(4:02 PM IST)