News of Sunday, 8th November 2026
પુણેમાં રૂંવાડા ઉભા કરી દેતી હત્યા: સિમ કાર્ડ ટ્રેના પુરાવાએ ખોલ્યો ભેદ, મિત્રએ જ કરી મિત્રની ક્રૂરતાપૂર્વક હત્યા
દારૂના વિવાદમાં બેઝબોલ બેટથી હુમલો કરી ધડ ઘરમાં છુપાવ્યું અને પગ કોથળામાં ફેંકી દીધા, પોલીસે આરોપીને દબોચ્યો

પુણે : મહારાષ્ટ્રના પુણેમાંથી એક અત્યંત સનસનાટીભરી અને હ્રદય કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પિંપલે ગુરવ વિસ્તારમાં શ્રીનગર લેન નંબર ૩ પાસે કચરાના ઢગલામાંથી કોથળામાં ભરેલા માનવ પગ મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે પિંટ્યા ઉર્ફે વિષ્ણુ તાનાજી કુંભાર નામના ૪૪ વર્ષીય વ્યક્તિએ દારૂ પીવા બાબતે થયેલા ઝઘડામાં પોતાના મિત્ર અનિલ બબન ખાડેની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આરોપીએ હત્યા બાદ ધારદાર હથિયારથી મૃતકના પગ કાપીને કોથળામાં ફેંકી દીધા હતા અને શરીરનું બાકીનું ધડ નવી સાંગવી સ્થિત પોતાના ઘરમાં જ છુપાવીને રાખ્યું હતું.
આ ભયાનક અપરાધનો પર્દાફાશ કરવા માટે સાંગવી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક જિતેન્દ્ર કોલીના નેતૃત્વ હેઠળની ટીમે અદ્ભુત તકનીકી સૂઝબૂઝ દાખવી હતી. ઘટનાસ્થળેથી પોલીસને માત્ર એક નાની 'સિમ કાર્ડ ટ્રે' મળી આવી હતી, જેના આધારે પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજનું વિશ્લેષણ કરીને અને ટેકનિકલ તપાસ ચલાવીને મૃતક અનિલ ખાડેની ઓળખ મેળવી હતી. આ કડીના સહારે પોલીસ જ્યારે આરોપી પિંટ્યા કુંભારના ઘરે પહોંચી, ત્યારે ઘરની બહાર જ શંકાસ્પદ દુર્ગંધ આવી રહી હતી, જેણે સમગ્ર કેસની દિશા બદલી નાખી હતી.
પોલીસે ઘરની તલાશી લેતા અંદરથી મૃતક અનિલ ખાડેનું ધડ મળી આવ્યું હતું, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડીને પોલીસે આરોપી પિંટ્યા કુંભારની ધરપકડ કરી લીધી છે. સાંગવી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) (હત્યા), ૨૩૮ (પુરાવા નાશ કરવા) તેમજ આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. આરોપીએ આઘાતજનક કૃત્ય કેવી રીતે અંજામ આપ્યો તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.
આ સનસનાટીભરી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં પોલીસ દ્વારા આ કેસમાં વધુ મજબૂત પુરાવા એકત્ર કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે, જેથી નરાધમ આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય અને પીડિત પરિવારને ન્યાય મળી શકે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
