<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બિહારના સ્વાસ્થ્ય મંત્રી નિશાંત કુમારનો એક રમુજી વીડિયો ધૂમ વાયરલ

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા આ વિડીઓમાં અજીબ યોગાસનો જોઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પાવન અવસરે આખા દેશમાં નેતાઓ, મંત્રીઓ અને સામાન્ય જનતાએ યોગ કરીને ફિટનેસનો સંદેશ આપ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે બિહારના સ્વાસ્થ્ય મંત્રી નિશાંત કુમારનો  એક અત્યંત રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઇન્ટરનેટ પર હાસ્યનું મોજું ફરી વળ્યું છે. વીડિયોમાં મંત્રીજી જે રીતે અજીબોગરીબ આસનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે જોઈને યુઝર્સ તેમની જોરદાર મજા લઈ રહ્યા છે. 

 X (ટ્વિટર) પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યોગ ટ્રેનર સ્ટેજ પરથી લોકોને સાચા આસનો કરાવી રહ્યા છે અને બાકીના લોકો તેનું પાલન કરે છે. પરંતુ જેવો કેમેરો સ્વાસ્થ્ય મંત્રી નિશાંત કુમાર પર જાય છે, તેમનું શરીર અને હાથ-પગનું હલનચલન આખી ભીડ કરતાં તદ્દન અલગ જ દિશામાં જોવા મળે છે. ટ્રેનર કંઈક અલગ મુદ્રા શીખવી રહ્યા છે અને મંત્રીજી પોતાના હાથ પગ ક્યાંક બીજી જ જગ્યાએ લઈ જઈને અનોખો પોઝ આપતા કેમેરામાં કેદ થયા છે.

આ વીડિયો પર હજારો વ્યુઝ આવી ચૂક્યા છે અને લોકો મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું, “મંત્રીજીએ તો ખુદ બાબા રામદેવને પણ પાછળ છોડી દીધા!” જ્યારે અન્ય એક યુઝરે મજાક ઉડાવતા લખ્યું, “બધા લોકો પોતાનો ડાબો પગ પકડી રહ્યા છે અને નિશાંતજીને કદાચ જમણા પગમાં ખંજવાળ આવી રહી છે.” કેટલાક લોકોએ “પંછી બનું ઉડતા ફિરું…” જેવા ગીતો લખીને પણ મંત્રીજીના ટ્રોલિંગની મજા માણી છે.

(8:28 PM IST)