<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ભાગેડુ નીરવ મોદીનો ખેલ ખતમ: ભારત લવાશે ટૂંક સમયમાં : PoKમાં પાકિસ્તાની ચૂંટણીઓ પર ભારતનો આકરો પ્રહાર!

વિદેશ મંત્રાલયે લંડનથી લઈને યુક્રેન અને PoK સુધીના મુદ્દે ભારતનું કડક અને સ્પષ્ટ વલણ જાહેર કર્યું : ભાગેડુ કારોબારીને દેશમાં લાવીને જંપવાની MEA પ્રવક્તા રણધીર જયસ્વાલની ચીમકી

નવી દિલ્હી:  હજારો કરોડનું પંજાબ નેશનલ બેંક  કૌભાંડ આચરીને બ્રિટન ભેગા થઈ ગયેલા ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીના દિવસો હવે ગણતરીના જ બાકી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે  બ્રિટનમાં ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા આખરી તબક્કામાં હોવાનું સ્પષ્ટ કરતા દાવો કર્યો છે કે નીરવ મોદીને બહુ જલ્દી ભારત લાવીને અદાલતના કટેડામાં ઊભો કરવામાં આવશે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, ભારત સરકાર કોઈપણ કિંમતે ભારતીય કાયદાનું પાલન કરાવવા અને ગુનેગારોને દેશમાં પાછા લાવવા માટે કટિબદ્ધ છે. આ સાથે જ બ્રિટનના પૂર્વ ગૃહ સચિવ પ્રીતિ પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે ઉમેર્યું હતું કે ભારત હંમેશા તમામ દેશો સાથે નિયત કાનૂની અને રાજદ્વારી પ્રક્રિયા મુજબ જ દેશનિકાલ પ્રોટોકોલનું પાલન કરે છે.

બીજી તરફ, વિદેશ મંત્રાલયે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ગુમ થયેલા ભારતીય નાગરિકો અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરતા તાકીદની માહિતી આપી હતી. યુક્રેનના મહત્વપૂર્ણ ઓડેસા બંદર નજીકથી તાજેતરમાં ગુમ થયેલા બે ભારતીય નાગરિકોની શોધોખોળ માટે ભારત સરકારે સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે. પ્રવક્તાએ જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર, યુક્રેનિયન એજન્સીઓ અને રાજદ્વારી ચેનલોના સતત સંપર્કમાં રહીને રેસ્ક્યૂ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ભારત પોતાના દેશવાસીઓની સલામતી માટે વૈશ્વિક સ્તરે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને તેમના પરિવારજનો સાથે પણ સતત સંપર્ક જાળવી રાખ્યો છે.

આ સિવાય, વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર માં યોજવામાં આવી રહેલી કથિત ચૂંટણીઓની આકરી ટીકા કરતા તેને સંપૂર્ણપણે 'ગેરકાયદેસર અને નકામો સંતોષ' ગણાવ્યો છે. ભારતે કડક સુરે દોહરાવ્યું છે કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ જ રહેશે. PoKમાં ચૂંટણી નાટક યોજીને પાકિસ્તાન ત્યાં ચાલી રહેલા વહીવટી અરાજકતા, ભ્રષ્ટાચાર અને માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન પર પડદો પાડવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. આવા કોઈ પણ નાટક કે ગેરકાયદે પ્રક્રિયાથી જમીની હકીકત બદલાવાની નથી તેવી સ્પષ્ટ ચેતવણી ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પરથી આપી દીધી છે.

(7:20 PM IST)