તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Sunday, 15th November 2026
ભાગેડુ લલિત મોદીને મળી બ્રિટિશ નાગરિકતા : ભારતની નાગરિકતા સમાપ્ત : પરંતુ શું હવે ભારતીય તપાસ એજન્સીઓના સકંજામાંથી બચી શકશે?
ઓક્સફર્ડ યુનિયનના ભાષણમાં IPLના પૂર્વ કમિશનરે સપ્ટેમ્બરથી બ્રિટિશ નાગરિકતા મેળવી હોવાનો કર્યો ખુલાસો : વનુઆતુ પાસપોર્ટ રદ થયા બાદ યુકેની નાગરિકતા મળતા કાયદાકીય ગૂંચવણો વધી

લંડન: ભારતમાં નાણાકીય ગેરરીતિઓના કેસમાં વોન્ટેડ અને 2010થી ફરાર પૂર્વ IPL કમિશનર લલિત મોદીએ હવે સત્તાવાર રીતે બ્રિટિશ નાગરિકતા મેળવી હોવાની ચોંકાવનારી જાહેરાત કરી છે. 14 નવેમ્બરના રોજ પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિયનમાં એક ભાષણ દરમિયાન લલિત મોદીએ દાવો કર્યો હતો કે તેમને ગત 15 સપ્ટેમ્બરના રોજ બ્રિટિશ નાગરિક તરીકે માન્યતા આપવામાં આવી છે. અગાઉ ટાપુ દેશ વનુઆતુની નાગરિકતા મેળવવાનો પ્રયાસ કરનાર અને ત્યારબાદ વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપટના આદેશથી તે પાસપોર્ટ રદ થતા ફસાયેલા લલિત મોદીને છેલ્લા 16 વર્ષથી યુકેમાં રહેવાના આધારે આ નાગરિકતા મળી હોવાનું મનાય છે. જોકે, યુકે હોમ ઓફિસની માર્ગદર્શિકા મુજબ નાગરિકતા આપતા પહેલા વ્યક્તિના ગુનાહિત રેકોર્ડ, ચારિત્ર્ય અને વિદેશમાં પેન્ડિંગ ફોજદારી કેસોની કડક તપાસ કરવામાં આવે છે, ત્યારે ભારતમાં બિન-જામીનપાત્ર વોરંટ ધરાવતા લલિત મોદીને બ્રિટિશ નાગરિકતા કેવી રીતે મળી તે મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા સવાલો ઉભા થયા છે.
લલિત મોદીના બ્રિટિશ નાગરિક બનવાની સાથે જ તેમની ભારતીય નાગરિકતા આપોઆપ સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય બંધારણ અને નાગરિકત્વ અધિનિયમ 1955ની કલમ 9 મુજબ ભારતમાં બેવડી નાગરિકતાની કોઈ જોગવાઈ નથી, જેથી કોઈપણ ભારતીય નાગરિક સ્વેચ્છાએ અન્ય દેશની નાગરિકતા સ્વીકારે તે જ ક્ષણે તેનું ભારતીય નાગરિકત્વ રદ થઈ જાય છે, ભલે તેણે પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો હોય કે ન કર્યો હોય. ઉલ્લેખનીય છે કે BCCI સાથેના વિવાદ અને નાણાકીય કૌભાંડોની તપાસ શરૂ થતા મે 2010માં લલિત મોદી લંડન ભાગી ગયા હતા, જેના પગલે EDની ભલામણથી તેમનો પાસપોર્ટ રદ થયો હતો અને 2015માં બિન-જામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.
જોકે, કાયદાકીય નિષ્ણાતોના મતે બ્રિટિશ પાસપોર્ટ મેળવી લેવાથી લલિત મોદી ભારતીય કાયદા અને તપાસ એજન્સીઓના સકંજામાંથી મુક્ત થઈ શકશે નહીં. ભારતના વિદેશ મંત્રાલયે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમની સામેની કાનૂની કાર્યવાહી યથાવત રહેશે. ભારત અને યુકે વચ્ચે 15 નવેમ્બર, 1993થી અમલમાં આવેલી પ્રત્યાર્પણ સંધિ હેઠળ, ભારત સરકાર ફોજદારી ગુનાઓનો સામનો કરવા માટે કોઈપણ બ્રિટિશ નાગરિકના પ્રત્યાર્પણની પણ માંગ કરી શકે છે. આમ, બ્રિટિશ નાગરિક બન્યા બાદ પણ ભારતીય અદાલતોના વોરંટ અને EDની તપાસની તલવાર લલિત મોદી પર સતત લટકતી રહેશે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
