તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ઈંધણનો ભાવ વધારો મધ્યમવર્ગના બજેટ ખોરવી નાખશે
દુધ-સીએનજી-પીએનજી-કોમર્શીયલ ગેસનો ભાવ વધ્યા બાદ પેટ્રોલ-ડિઝલ મોંઘુ થતાં લોકોને દાઝયા પર ડામ : લોકોને હવે બે છેડા ભેગા કરવા મુશ્કેલઃમોંઘવારીનું વિષચક્ર તમામ સેક્ટરને દઝાડશેઃ મોંઘવારી માઝા મૂકશે

નવી દિલ્હી,તા.૧૬: ઈરાન - અમેરિકા- ઈઝરાયેલ વચ્ચે માર્ચ મહિનાથી શરૂ થયેલા યુધ્ધથી ભારતના સામાન્ય નાગરિકો ઉપર પ્રત્યાઘાતી અસર પડી રહી છે. અગાઉ દૂધ, સીએનજી, પીએનજીના ભાવ વધારા બાદ આજે સવારથી જ પેટ્રોલ -ડીઝલના ભાવમાં એક લીટરે રૂા.૩ના કરાયેલા વધારાથી સાર્વત્રિક ભાવ વધારાનું વિષચક્ર શરૂ થયું છે. આ ભાવ વધારો તમામ નાગરિકોના બજેટને ખોરવી નાંખશે. ગરીબ હોય કે મધ્યમ વર્ગના નાગરિકોએ હોય તેમને મોંધવારીમાં બે છેડાં ભેગા કરવા ભારે કવાયત કરવી પડશે. ડીઝલનો ભાવ વધતાં તમામ સેકટરની ચીજ વસ્તુઓ ,સેવાઓ મોંથી બનશે તે નક્કી છે. મોંધવારીના વિષચક્રમાં તમામ સેકટરનો સમાવેશ છેવટે માનવીઓનું જીવન દોહ્યલુ બનાવશે.
સામાન્ય નજરે પેટ્રોલ - ડીઝલનો ભાવ વધારો વાહન ચાલકના માસિક ઈંધણ ખર્ચમાં માત્ર વધારો નથી કરતો પણ તમામ ચીજ વસ્તુઓ મોંઘી થશે. જે જીવન જરૂરી હોય કે ઔદ્યોગિક વપરાશની હોય પણ તેનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જશે. દેશમાં ૬૫ ટકા માલસામાનની હેરફેર ટ્રક દ્વારા રોડથી કરાય છે. ટૂંકો ડીઝલનો ઉપયોગ કરે છે. જેથી આ ભાવ વધારો માત્ર ટ્રાન્સપોર્ટેશન પુરતો નથી પણ કોસ્ટ ઓફ લિવિગ એટલે કે જીવન ખર્ચ
વધારશે. ટ્રક દ્વારા જ શાકભાજીની હેરફેર થાય છે. આ ઉપરાંત દૂધના પેકેટની રવાનગી પણ ટ્રક દ્વારા થાય છે. ઓનલાઈન ફૂડ - જીવન જરૂરી ચીજોના ઓર્ડર પણ હવે મોંઘા થશે. સપ્લાય ચેનને ધ્યાનમાં રાખીને ગ્રાહકો પાસેથી જ ઓનલાઈન - ઈ કોમર્સના વેપારમાં ખર્ચ ઉમેરવામાં આવશે.
શાકભાજી, ફળ ફળાદીઃ શાકભાજી અને ફળ ફળાદી જે ઝડપથી બગડી જાય તેમ હોય છે તેથી તેની હેરફેરમાં રોકાયેલા ટ્રાન્સપોર્ટરો દ્વારા તાત્કાલિક ભાવ વધારો કરાશે. મંડીઓ દ્વારા આ ભાવ વધારો જથ્થાબંધ વેપારીઓ ઉપર પસાર કરવામાં આવશે અને ત્યાંથી છૂટક વેચાણ કરતા વેપારીઓ દ્વારા સામાન્ય નાગરિકોને ઉપર જ આવશે.
ટામેટાં, ડુંગળી, બટાકાઃ ટામેટાં, ડૂંગળી, બટાકા સહિતના શાકભાજીઓ, કેરી, કેળાં, ચીકું. સફરજન સહિતના ઝડપથી નાશ પામે તેવી ચીજો ઉપર ઝડપથી ભાવ વધારાની અસર જોવા મળશે.
દૂધઃ અમૂલ દ્વારા દૂધના ભાવ એક લીટરે રૂા.૨નો વધારો અગાઉ થી જ કરી દેવામાં આવ્યો છે. હવે દૂધની બનાવટો પનીર, ચીઝ, દહીં, શિખંડ, આઈસ્ક્રીમ વગેરે ઉપર પણ ભાવ વધારો આવશે. દૂધ અને તેની બનાવટો રેફ્રિજરેટર વાન દ્વારા જ મોકલવામાં આવતી હોય છે. ડીઝલનો ભાવ વધારો આ ફેરફેરને મોંથી બનાવશે.
કરિયાણું: આવી જ રીતે કરિયાણું પણ મોંઘુ બની રહ્યું છે. ચોખા, ઘઉંનો લોટ, વિવિધ દાળ, ખાંડ, ચા, બિસ્કિટ, કઠોળ વગેરેની હેરફેરમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જતાં લોજિસ્ટિક કંપનીઓ વધુ ભાડું વસૂલશે. બીજી તરફ ઉત્પાદક કંપનીઓ હવે આ ચીજ વસ્તુઓની છૂટક વેચાણ કિમતમાં વધારો કરશે અથવા તો પેકિગમાં આપવામાં આવતી ચીજોમાં વજન ઓછું કરીને વેચાણ કરવામાં આવશે. કેટલીક ચીજ વસ્તુઓમાં તો છૂટક વેચાણ કિમત વધારવામાં આવશે અને પેકિગમાં વજન ઓછું અપાશે.
હોટલ - રેસ્ટોરાં: હોટલ-રેસ્ટોરાં સહિત કોમર્શિયલ કિચનમાં પીએનજી, એલપીજી વપરાય છે. આ રેસ્ટોરંટના સંચાલકોએ પણ તેમની વાનગીઓના ભાવ વધાર્યા છે અને આગામી દિવસોમાં તે વધારશે. ઢાબા પર કે રેસ્ટોરાંમાં ખાણી પીણી મોંથી બનશે.
ટ્રાન્સપોર્ટેશનઃ શહેરોમાં ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ બનશે. આગામી દિવસોમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન દ્વારા ડીઝલના ભાવ વધારો મુસાફરો પાસેથી ટિકીટના દર વધારીને વસૂલવામાં આવશે. હાલમાં પણ રેલવેની તુલનાએ એસટીની મુસાફરી મોંધી છે. ખાનગી ટ્રાવેલ કંપનીઓ પણ ભાડા વધારી દેશે.
પેટ્રોલ અને સીએનજીના ભાવ વધ્યા હોવાના કારણે ઓટોરીક્ષા, ટેક્સી ના સંચાલકો ભાવ વધારો માંગશે.
સ્કૂલ વેનઃ સ્કૂલ વેનના ચાલકને હવે બાળકને શાળાએ મોકલવા માટે નાગરિકોએ વધુ નાણાં ચૂકવવા પડશે. વડોદરા અને તેની આસપાસ આવેલી કંપનીઓના કર્મચારીઓ માટે ખાનગી બસોની સગવડો છે. જે માટે ખાનગી ટ્રાવેલર અને કંપનીઓ વચ્ચે કોન્ટ્રાકટ હોય છે. આ કોન્ટ્રાકટમાં ડીઝલના ભાવ વધારાથી સુધારો કરવો પડશે આમ કંપનીઓને કર્મચારીઓ માટેની બસ સેવા મોંથી પડશે.
ડિલિવરી પ્લેટફોર્મઃ આગામી જૂન માસથી આ વધારો તોળાશે તેમ મનાય છે. ઝોમેટો, સ્વીગી સહિતના ઓનલાઇન ડિલીવરી પ્લેટફોર્મની ફી પણ વધશે. ઘણાએ ઇલેક્ટ્રિક ટુ વ્હિલર વસાવ્યા છે, પણ મોટાભાગના ડિલીવરી બોય પાસે હજી પેટ્રોલ સંચાલિત ટુ વ્હિલર છે. આથી ડિલીવરી ફી આગામી દિવસોમાં મોંથી બનશે. બીજી તરફ મિનિમમ ઓર્ડરની કિમત પણ વધારી દેવામાં આવશે.
વિમાની ટિકિટઃ વિમાની ટિકીટના દર પણ વધી જશે. એવીએશન ટર્બાઈન ફયુઅલ મોંઘુ બનતાં એરલાઈ ન કંપનીઓ દ્વારા પણ મુસાફરો ઉપર બોજો વધારવામાં આવશે. જેમાં મુસાફરી ભાડામાં વધારો અને ડિસ્કાઉન્ટમાં ઘટાડો જોવા મળશે.
કન્સ્ટ્રકશન અને રિઅલ એસ્ટેટઃ કન્સ્ટ્રકશન અને રિઅલ એસ્ટેટ સેકટરમાં પણ સિમેન્ટ, રેતી , લોખંડ, ઈટો વગેરેની હેરફેર ટ્રક દ્વારા થાય છે. જેમાં ડીઝલનો જ વપરાશ થાય છે. જેના પગલે હવે માલસામાનની હેરફેરનો ખર્ચ વધી જશે. હાલમાં ચાલી રહેલા કન્ટ્રકશન પ્રોજેક્ટમાં પણ ભાવ વધારો ગ્રાહકો પાસેથી વસૂલ થાય તેવી શક્યતાઓ છે. પ્રોપર્ટીના દર પણ વધશે. આ ઉપરાંત ફેકટરીઓ દ્વારા ડીઝલ જનરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઈલેક્ટ્રોનિક્સ, વષો, દવાઓ, એપ્લાયન્સીસ વગેરેની કિમત પણ વધશે.
ટ્રેકટર-સિચાઇ પંપઃ ખેડૂતો પણ ટ્રેકટર અને સિચાઈ પંપ ચલાવવા માટે ડીઝલનો ઉપયોગ કરે છે. ખાતરનો પણ ભાવ વધશે. જેમાં ખાતર તથા તેની હેરફેરની કિમત વધશે. છેવટે અન્નની કિમત વધશે. તાત્કાલિક રીતે જોવા જઈ એ તો ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, વષો સહિતના સેકટરમાં હેરફેરનો ખર્ચ વધશે નહિ. જોકે આગામી દિવસોમાં નવા ઉત્પાદનો આવશે ત્યારે ચોક્કસ ભાવ વધશે. આ ઉપરાંત ડોલરની સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે ત્યારે ઘણી આયાતી ચીજ વસ્તુઓ મોંથી થતાં આ સેકટરમાં પણ ભાવ વધશે. એક વાત સ્પષ્ટ છેકે, ડીઝલના ભાવ વધતાં તમામ ચીજોના ભાવ વધે તે નક્કી છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
