તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ઈંધણ સંકટની અફવાઓ પર પૂર્ણવિરામ: દેશમાં પેટ્રોલ-ડીઝલનો છલોછલ સ્ટોક : 3 જ દિવસમાં 1.14 કરોડ સિલિન્ડરનું વિતરણ
પીએમ મોદીની કરકસરની અપીલ બાદ મંત્રાલયે જનતાને આપી મોટી રાહત: રિફાઇનરીઓ ફૂલ કેપેસિટીમાં કાર્યરત અને ઘરે-ઘરે ગેસ પહોંચાડવાની કામગીરી તેજ: અછતની ચિંતા છોડી ગભરાટમાં ખરીદી ન કરવા સરકારનો અનુરોધ

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલિયમ પેદાશોની અછત હોવાની અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે ભારત પાસે પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ખાતરી આપી છે કે દેશની તમામ રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને સપ્લાય ચેઈનમાં ક્યાંય અવરોધ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નાગરિકોને ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા કરેલી અપીલ બાદ જનતામાં કોઈ ગેરસમજ ન ફેલાય તે માટે મંત્રાલયે આ સત્તાવાર ડેટા જાહેર કર્યો છે.
સરકારી આંકડાઓ મુજબ, છેલ્લા માત્ર ત્રણ દિવસમાં જ દેશભરમાં ૧૧.૪ મિલિયન (૧.૧૪ કરોડ) LPG સિલિન્ડરોની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ૧૨.૬ મિલિયન નવા બુકિંગ નોંધાયા છે, જે દર્શાવે છે કે વિતરણ વ્યવસ્થા અત્યંત ઝડપી છે. માત્ર ઘરેલું ગેસ જ નહીં, પરંતુ ૧૭,૦૦૦ ટનથી વધુ કોમર્શિયલ LPG અને ૧.૪૦ લાખ જેટલા નાના ૫ કિલોના સિલિન્ડરોનું પણ વેચાણ થયું છે. તેલ કંપનીઓએ વિવિધ સ્થળોએ કેમ્પ લગાવીને જરૂરિયાતમંદોને ઈંધણ પહોંચાડવાની કામગીરી પણ જારી રાખી છે.
પીએમ મોદીની અપીલનો મુખ્ય હેતુ મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિદેશી હૂંડિયામણ બચાવવાનો અને અર્થતંત્રને સુરક્ષિત રાખવાનો છે. તેમણે સોનાની ખરીદી અને બિનજરૂરી વિદેશ પ્રવાસો ટાળવા સાથે ઈંધણની બચત પર ભાર મૂક્યો હતો જેથી દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) કાબૂમાં રહે. સરકારનું માનવું છે કે જો નાગરિકો જાગૃત બનીને સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરશે, તો વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારત આર્થિક રીતે મજબૂત રહેશે. હાલમાં કોઈ પણ આઉટલેટ પર ઈંધણની અછત ન હોવાથી ગભરાટમાં આવી સ્ટોક ન કરવા જનતાને વિનંતી કરાઈ છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
