<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના એંધાણ: ઈરાન સામે અમેરિકાનું 'ઓપરેશન બિગ સ્ટ્રાઈક' : ટ્રમ્પે બોમ્બર્સ અને નેવીને એલર્ટ પર મૂક્યા

ટ્રમ્પે મધ્ય પૂર્વમાં સ્પેશિયલ ઓપરેશન ફોર્સ : બી-૧ લેન્સર બોમ્બર્સ અને ૧૭ યુદ્ધ જહાજોની ભારે તૈનાતી સાથે જર્મનીની હોસ્પિટલમાં ૧૫૦થી વધુ કોમ્બેટ ટ્રોમા મેડિક્સ રવાના કર્યા

વોશિંગ્ટન:  મધ્ય પૂર્વમાં તણાવ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે અને વિશ્વ એક મોટા યુદ્ધના મુખમાં ધકેલાઈ રહ્યું હોય તેવી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર યુનાઇટેડ સ્ટેટ્સની આર્મી, નેવી અને એરફોર્સે ઈરાન તેમજ તેના સહયોગી હુથી બળવાખોરો સામે અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી ઘેરાબંધી શરૂ કરી દીધી છે. પર્સિયન ગલ્ફ અને લાલ સમુદ્રમાં ૨ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ, ૧૧ ડિસ્ટ્રોયર અને ૧ મરીન એક્સપિડિશનરી યુનિટ સહિત કુલ ૧૭ ઘાતક યુદ્ધ જહાજો તૈનાત કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, અમેરિકા અને બ્રિટન સ્થિત એરબેઝ પરથી સુપરસોનિક ક્ષમતા ધરાવતા B-1 Lancer બોમ્બર્સ અને એડવાન્સ ફાઈટર સ્ક્વોડ્રનને હાઈ એલર્ટ પર રાખીને સતત બોમ્બમારો કરવાની તૈયારીઓ આખરી ઓપ આપી દેવાયો છે.

આ સમગ્ર જમાવટમાં સૌથી વધુ હલચલ મચાવનારો સંકેત જર્મનીના લેન્ડસ્ટુહલ સ્થિત મુખ્ય યુએસ લશ્કરી હોસ્પિટલમાં ૧૫૦થી વધુ કોમ્બેટ-ટ્રોમા મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સનું આગમન છે. સામાન્ય રીતે મર્યાદિત કે નિયમિત એરસ્ટ્રાઈક માટે આટલી મોટી સંખ્યામાં આકસ્મિક તબીબી ટુકડીઓ મોકલવામાં આવતી નથી. સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે ઘાયલ સૈનિકોની સારવાર માટેનું આ માળખું સ્પષ્ટ કરે છે કે અમેરિકા માત્ર આકાશમાંથી બોમ્બ ફેંકવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ જમીની સ્તર પર અથવા લાંબા સમય સુધી ચાલનારા ભીષણ સંઘર્ષની અપેક્ષા રાખી રહ્યું છે. આ ઉપરાંત યુએસ આધારિત ક્ષેત્રોમાંથી સ્પેશિયલ ઓપરેશન ફોર્સને સીધા મધ્ય પૂર્વના ગુપ્ત મિશનો માટે રવાના કરી દેવાયા છે.

બીજી તરફ, આ સંઘર્ષ રાજકીય અને વૈશ્વિક ક્ષેત્રે પણ મોટો ભડકો કરી શકે તેમ છે. યુએસ કોંગ્રેસે તાજેતરમાં ૨૧૬-૨૧૪ ના બારીક મતાંતરથી $૯૫ બિલિયનનું માળખું પસાર કર્યું છે, જેમાં $૭૩ બિલિયન જેટલું વિશાળ ફંડ લશ્કરી અને ગુપ્તચર કામગીરી માટે ફાળવવામાં આવ્યું છે. લાલ સમુદ્રમાં તેલના ટેન્કરો પર હુથીઓના સતત પ્રહાર અને હોર્મુઝની સામુદ્રધુનીમાં વધી રહેલા ભય વચ્ચે યુએસ સેન્ટકોમ સતત ઈરાની ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યું છે. પરંતુ આ લશ્કરી આક્રમકતા સામે રશિયા અને ચીન જેવી મહાસત્તાઓની પ્રતિક્રિયા, વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો અને શિપિંગ રૂટ બંધ થવાનું જોખમ આખી દુનિયાની આર્થિક સ્થિરતાને હચમચાવી શકે છે.

(6:11 PM IST)